વડોદરાના શક્તિ સર્કલ ખાતે યોજાયેલો ગરબા મહોત્સવ અધવચ્ચે રદ થતાં આયોજકો સામે ગંભીર આક્ષેપો થયા છે. કિંજલ દવેના નામે ખેલૈયાઓ પાસેથી ૫ હજારથી ૭ હજાર રૂપિયા સુધીની ફી વસૂલવામાં આવી હતી, પરંતુ ૧૦ રાત્રિના આયોજનનો દાવો કરાયો હોવા છતાં છઠ્ઠા નોરતે જ કાર્યક્રમ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું ખેલૈયાઓએ જણાવ્યું છે.
આ ઉપરાંત કલાકારો અને ફરાસખાનાના બિલ પણ ચૂકવવામાં આવ્યા ન હોવાના આક્ષેપો થયા છે. વિરોધ વધતાં આયોજકોએ સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ બંધ કરી દીધી હતી. ત્રણેય આયોજકોના ફોન બંધ હોવાથી તેઓ ફરાર હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેલૈયાઓમાં ભારે રોષ છે અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ ઊઠી છે.
બીજી તરફ, અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા ગરબા દરમિયાન એક ગાયકે શર્ટ કાઢીને ડાન્સ કરતાં અને કાર્યક્રમમાં બોલિવૂડ ગીતો વાગતાં વિવાદ સર્જાયો હતો. એક ખેલૈયાએ દુપટ્ટો ઉછાળ્યાની ઘટનાએ પણ ચર્ચા જગાવી છે. આયોજકોએ આ ઘટનાઓથી અજાણ હોવાનો દાવો કર્યો છે.
વડોદરાના વીએનએફ ગરબા ગ્રાઉન્ડમાં નજીવી બાબતે બે મહિલા જૂથો વચ્ચે બોલાચાલી ઉગ્ર બની હતી. ચાલુ ગરબા દરમિયાન ધક્કામુક્કી બાદ બંને જૂથની મહિલાઓએ એકબીજાના ચોટલા પકડીને મારામારી કરી હતી. મહિલા બાઉન્સરો અને પોલીસે દરમિયાનગીરી કરીને સ્થિતિ કાબૂમાં લીધી હતી.
વડોદરાના યુનાઇટેડ વે ગરબામાં ગ્રાઉન્ડ પર કામ કરતા એક યુવકના આધારકાર્ડમાં રઝાક પઠાણ અને આઈકાર્ડમાં આયુષ પટેલ નામ હોવાનો દાવો કરાતાં વિવાદ ઊભો થયો હતો. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ યુવકને પકડીને પોલીસને સોંપ્યો હતો.
રંગ મોરલા ગરબામાં એન્કર દ્વારા લઘુમતી સમાજના લોકોને સ્થળ છોડવા અંગે કરવામાં આવેલી જાહેરાતને લઈને પણ વિવાદ થયો હતો. આદિત્ય ગઢવીએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી કે આ તેમનો સંદેશ નહોતો, પરંતુ એક જૂથે તેમના પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. આદિત્ય ગઢવી અને આરજે આકાશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.