સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન પદાધિકારીઓની ગાડી રોકાતાં વિવાદ, ડીસીપીએ કહ્યું- કોઈ ખટરાગ નથી

વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન પદાધિકારીઓની ગાડી રોકાતાં વિવાદ, ડીસીપીએ કહ્યું- કોઈ ખટરાગ નથી

વડોદરા શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન નવલખી મેદાન ખાતે પદાધિકારીઓની ગાડી પોલીસ દ્વારા રોકવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસ અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ વચ્ચે તીખી નોંકઝોંક જોવા મળી હતી.

મળતી માહિતી અનુસાર, નવલખી મેદાન ખાતે ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન પદાધિકારીઓ વિસર્જનની વ્યવસ્થા જોવા માટે પહોંચ્યા હતા. જોકે, આ પદાધિકારીઓની ગાડી પ્રાઇવેટ હોવાના કારણે સોલાર બ્રિજ પાસે ફરજ પરના પીઆઈએ ગાડીઓને રોકી હતી. જેમાં મેયર, દંડક અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ગાડીનો સમાવેશ થાય છે.

ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ અગાઉથી જ પંડાલમાં આવી ગયા હતા. જેથી દંડકે તેમને ફોન કરતા તેઓએ પીઆઈ સાથે વાત કરી ગાડી આવવા દેવાનું જણાવ્યું હતું.

ફરજ પરના પીઆઈએ ડેપ્યુટી મેયર સાથે ફોન પર વાત કરી હતી અને જણાવ્યું હતું કે, અમને જે પ્રકારે સૂચના મળી છે તેનું પાલન કરી રહ્યા છીએ. ડીસીપી કહેશે તો આ ગાડીને અંદર જવા દઈશું. ત્યારબાદ ડેપ્યુટી મેયરે ડીસીપી મંજીતા વણઝારાને ફોન કર્યો હતો અને ગાડીઓ આવવા દેવા માટે કહ્યું હતું. ડીસીપીએ તરત જ પીઆઈને સૂચના આપી ગાડી જવા દેવા માટે જણાવ્યું હતું. જોકે તે પહેલા ચેરમેન ગાડીમાંથી ઉતરી ગયા હતા અને ચાલવા માંડ્યા હતા.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષાબેન વ્યાસ ગાડીમાંથી ઉતરી ચાલતા આવવા નીકળ્યા હતા. તેમને અગાઉથી પગમાં થોડો દુખાવો હોવાથી ચાલવાની તકલીફ પડી હતી અને તેના કારણે જ્યારે તેઓ સ્ટેજ પર આવ્યા, ત્યારે તેમની અને ડીસીપી વચ્ચે થોડીક બોલાચાલી થઈ હતી. જોકે વિસર્જન દરમિયાન સ્ટેજ ઉપર ભાજપના શહેર પ્રમુખ, મેયર સહિતના પદાધિકારીઓ હતા, ત્યાં જ મામલો થોડો ગરમાયો હતો.

ડીસીપી મંજીતા વણઝારાએ જણાવ્યું કે, અમે સવારથી બંદોબસ્તમાં હતા. પીઆઈ ઓળખતા ન હતા તેના કારણે તેઓએ પદાધિકારીઓની ગાડી રોકી હતી. પરંતુ મારા પર જેવો ફોન આવ્યો તરત જ મેં ગાડીઓને જવા દીધી હતી. પોલીસ અને પાલિકા દ્વારા ખભે-ખભા મિલાવીને જ કામગીરી કરવામાં આવી છે. અમારા વચ્ચે કોઈ અણબનાવ નથી.

સમગ્ર મામલે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે જણાવ્યું કે, મારી અને ડીસીપી વચ્ચે કોઈ અણબનાવ નથી. અસલમાં પદાધિકારીઓની ગાડી રોકાઈ તે બાદ ચેરમેન ચાલતા આવ્યા હતા અને જેના કારણે તેમને પગમાં દુખાવો પણ થયો હતો. આ વખતે ચેરમેન દ્વારા ડીસીપીને જણાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ડીસીપી આ અંગે વાતચીત કરી રહ્યા હતા તે વાતચીતનો આ વીડિયો છે.

ઉલ્લેખનીય છે કે, મંજીતા વણઝારા 2019માં ટિકટોક વીડિયો વિવાદમાં ચર્ચામાં આવ્યા હતા. મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીએ પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન ટિકટોક વીડિયો બનાવ્યો તો તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. આ સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી મંજીતા વણઝારાને સોંપવામાં આવી હતી. આ દરમિયાન તેમનો જ ટિકટોક પરનો વીડિયો બહાર આવતા રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. જોકે આ વીડિયો વર્દીમાં નહોતો.

મંજીતા વણઝારાએ 2011માં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. ત્યાર બાદ ટ્રેનિંગ પૂર્ણ કરીને 2013માં અમદાવાદના પહેલા મહિલા એસીપી બન્યા હતા. તેઓ મહેસાણા સહિતના જિલ્લાઓમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DySP) તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ પૂર્વ IPS ડી.જી.વણઝારાના ભત્રીજી અને રાજ્ય સરકારમાં સંયુક્ત સચિવ રહી ચૂકેલા કે.જી.વણઝારાના પુત્રી છે.