સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરાના ગણેશ પંડાલમાં 80 ફૂટ લાંબી હોરર ગુફા, AI સ્ટેચ્યુથી ભક્તો ડર અને શ્રદ્ધા વચ્ચે

વડોદરાના ગણેશ પંડાલમાં 80 ફૂટ લાંબી હોરર ગુફા, AI સ્ટેચ્યુથી ભક્તો ડર અને શ્રદ્ધા વચ્ચે

દેશભરમાં ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી ચાલી રહી છે. ભક્તો અલગ-અલગ થીમ પર ગણેશ પંડાલ સજાવી રહ્યા છે. વડોદરામાં આજવા રોડ પરના એક ગણેશ પંડાલમાં ભક્તોને બાપ્પાના દર્શન પહેલાં 80 ફૂટ લાંબી હોરર ગુફામાંથી પસાર થવું પડે છે.

આ ગુફામાં ડગલે ને પગલે ભૂત જેવા દેખાવ અને ડરામણાં દૃશ્યો ગોઠવવામાં આવ્યાં છે. મુલાકાતીઓને ગુફા પાર કર્યા બાદ બહાર 5 મિનિટનો હોરર શો પણ બતાવવામાં આવે છે. ગુફામાં 10થી 15 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જનરેટેડ સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે. ટેકનોલોજી, મોટર્સ અને વોઈસ ઇફેક્ટ્સની મદદથી આ ગુફા તૈયાર કરાઈ છે. આખરે આ ગુફા પાર કર્યા પછી જ ભક્તોને બાપ્પાના દર્શન થાય છે.

શ્રી યુવક મંડળના સભ્ય દીપ પુરાણીએ જણાવ્યું કે, મંડળની સ્થાપના 2009માં થઈ હતી. છેલ્લા કેટલાક વર્ષોથી અમે અલગ-અલગ થીમ પર કામ કરીએ છીએ. આ વખતે હોરર થીમ પર કામ કર્યું છે. ગુજરાતની એક વિશિષ્ટ અને વિશાળ ગુફા આજવા રોડ પર બનાવી છે, જે 80 ફૂટ લાંબી છે. તેની અંદર 10થી 15 AI જનરેટેડ સ્ટેચ્યુ મૂક્યા છે.

પુરાણીએ કહ્યું કે, હોરર શોના બહાને લોકો બાપ્પાના દર્શને આવે છે. નાના બાળકો સમજે કે ભૂત-પ્રેતની વાતો અંધશ્રદ્ધા છે અને સાચા તો માત્ર આપણા બાપ્પા જ છે. હોરર શો હોવાથી લોકો અને બાળકો થોડા ડરે તે સ્વાભાવિક છે.

આ વર્ષે ટેકનોલોજીના ઉપયોગથી ભૂત અને અન્ય મોડેલ્સ બનાવ્યા છે. અંદર મોટર્સ ગોઠવી છે અને એવા વોઈસ ઇફેક્ટ્સ આપ્યા છે કે ભૂત ઊભું થતું હોય, પેટમાંથી આંતરડાં બહાર દેખાતા હોય કે શરીર સળગતું હોય તેવો અનુભવ થાય. છેલ્લા 5 મહિનાથી મંડળના કાર્યકર્તાઓ આ કામ પર લાગ્યા હતા. છેલ્લા 2 મહિનાથી તો કાર્યકર્તાઓ ઘરે માત્ર 2થી 3 કલાક આરામ કરવા જતા હતા અને બાકીનો સમય અહીં જ આપતા હતા.

અહીં દરરોજ 5થી 7 હજાર ભક્તો દર્શન કરવા આવે છે અને લોકોના સારા પ્રતિસાદ મળી રહ્યા છે. સુરક્ષા માટે ફાયર સેફ્ટી, CCTV કેમેરા અને કોઈને તકલીફ ન પડે તે માટે ડોક્ટરની સુવિધા પણ રાખી છે. આ કામમાં મંડળના કાર્યકર્તા, માર્કેટિંગ એજન્સી અને ડીઆર ક્રિએશનના લાલાભાઈનું મોટું યોગદાન છે.