સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરામાં તહેવારોમાં લેવાયેલા 19 ખાદ્ય નમૂના નાપાસ, આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી

વડોદરામાં તહેવારોમાં લેવાયેલા 19 ખાદ્ય નમૂના નાપાસ, આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી

વડોદરા: તહેવારોની મોસમમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લીધેલા નમૂનાઓમાંથી 19 નમૂના નાપાસ થયા છે. આ નમૂનાઓ નિર્ધારિત ગુણવત્તા ધોરણો કરતાં ઊતરતા (સબ-સ્ટાન્ડર્ડ) હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોગ્ય વિભાગે સંબંધિત એકમો સામે કાર્યવાહી શરૂ કરી છે.

તહેવારો દરમિયાન લોકો મીઠાઈ, ઘી અને અન્ય ખાદ્ય પદાર્થોની ખરીદી વધુ કરે છે. નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખોરાક મળે તે માટે આરોગ્ય વિભાગે શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના એકત્ર કરીને પ્રયોગશાળામાં તપાસ માટે મોકલ્યા હતા. તેના પરિણામોમાં આ 19 નમૂના ગુણવત્તાના ધોરણોમાં નાપાસ થયા છે.

નાપાસ થયેલા નમૂનાઓમાં અનાયા નેચરલ ઓઇલ, સમા-સાવલી રોડ પરથી લેવાયેલા ઘીના નમૂના અને સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી તાજ ડેરીના ઘીના નમૂનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, માંજલપુરના શ્રી રામ દુગ્ધાલય અને મકરપુરા રોડ પર આવેલા અખર ડેરી ફાર્મમાંથી લેવાયેલા ખુલ્લા ઘીના નમૂનાઓ પણ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે.

આરોગ્ય વિભાગે જણાવ્યું કે ગુણવત્તા ધોરણો ન પાળનારા એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, દશેરા તહેવાર દરમિયાન લેવાયેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓના પરિણામો હજુ આવ્યા નથી. તે રિપોર્ટ આવ્યા બાદ ખાદ્ય ગુણવત્તા અંગે વધુ માહિતી સામે આવી શકે છે.

નાગરિકોએ ખાદ્ય પદાર્થો ખરીદતી વખતે ગુણવત્તા, પેકિંગ અને લેબલ પર ધ્યાન આપવું જરૂરી છે, એમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે.