વડોદરા શહેરમાં વધી રહેલી ગરમીના કારણે આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં બે વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. આ ઉપરાંત સયાજી હોસ્પિટલમાં પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે આ ત્રણેય ઘટનાઓમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
પંડ્યા બ્રિજ પાસે ફોર વ્હીલરમાં આગ
પ્રથમ ઘટના વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે આવેલી પોલિટેકનિક કોલેજ સામે બની હતી. અહીં ચાલુ વાહને એક તુફાન ફોર-વ્હીલર જીપમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જીપમાં આગ લાગતા જ આસપાસના માર્ગ પર ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, ચાલકે સમયસૂચકતા દાખવીને તાત્કાલિક વાહનને રોડની સાઈડ પર લીધું હતું અને સમયસર બહાર નીકળીને પોતાનો જીવ બચાવી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
આજવા-નિમેટા પાસે રેતી ભરેલી ટ્રક સળગી ઉઠી
બીજો બનાવ શહેર નજીક આવેલા આજવા-નિમેટા વિસ્તારની આસપાસ બન્યો હતો. અહીં રસ્તા પર ઊભેલી રેતીની એક ટ્રકમાં અચાનક આગ ભડકી ઊઠી હતી. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે જોતજોતામાં આખી ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી.
બંને બનાવોમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. વધતી જતી ગરમીની સિઝનમાં વાહનોમાં ઓવરહીટિંગ અને શોર્ટ સર્કિટનું જોખમ વધી જતું હોય છે. ત્યારે નાગરિકોએ પોતાના વાહનોની સમયસર જાળવણી કરવી અને જરૂરી સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.
સયાજી હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ
આ સાથે શહેરની સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગની બહાર પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે સ્થાનિક કર્મચારીઓ અને ફાયર જવાનોએ અગ્નિશમન શસ્ત્રોનો ઉપયોગ કરીને આગ પર તાત્કાલિક કાબુ મેળવી લેવામાં સફળતા મળતા હાશકારો અનુભવ્યો હતો. જો આગ વધુ વિકરાળ બની હોત તો દોડધામ મચી જાત. આ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.