વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં નરસિંહજીની પોળમાં આવેલી દલા પટેલની પોળમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ તેમના ઘરમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા છે. મૃતકોમાં આરતીબેન સોની (ઉંમર 50), તેમનો પુત્ર નીલકંઠ સોની (23) અને પુત્રી જેની સોની (20)નો સમાવેશ થાય છે.
પોળમાં રહેતા લોકોના જણાવ્યા મુજબ, ત્રણેય સભ્યો બે દિવસથી ઘરની બહાર નીકળ્યા નહોતા અને ઘરનાં દરવાજા પણ બંધ હતા. આથી પાડોશીઓને શંકા ગઈ અને તેમણે પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્રણેયના મૃતદેહ દુપટ્ટાથી લટકાવેલી હાલતમાં મળ્યા હતા.
પરિવાર વિશે પ્રાપ્ત માહિતી મુજબ, આરતીબેનના પતિ ચેતનભાઈનું લગભગ એક વર્ષ પહેલાં હૃદયની બીમારીના કારણે અવસાન થયું હતું. તેમના પુત્ર નીલકંઠ અભ્યાસ માટે કેનેડા ગયો હતો અને પિતાના અવસાન બાદ તે પરત ફર્યો હતો. ત્યારબાદ પરિવાર જૂના પાદરા રોડ પર આયુર્વેદિક દવાઓના કામ સાથે સંકળાયેલો હતો.
ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે ત્રણેય મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા બાદ આ મોત પાછળના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને સત્તાવાર રીતે કારણ જાહેર કરાયું નથી.