સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરા: દશેરા પહેલા ફાફડા-જલેબીના નમૂના લેવાયા, પણ રિપોર્ટ 15 દિવસમાં આવશે

વડોદરા: દશેરા પહેલા ફાફડા-જલેબીના નમૂના લેવાયા, પણ રિપોર્ટ 15 દિવસમાં આવશે

વડોદરામાં દશેરા પર્વ પહેલાં ફૂડ વિભાગે ફાફડા-જલેબીના સ્ટોલ અને મંડપો પર ચેકિંગ કરીને નમૂના લીધા છે. શહેરમાં ઠેરઠેર ઊભા કરાયેલા મંડપોમાંથી ફાફડા-જલેબીના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જોકે, નમૂનાનો રિપોર્ટ સામાન્ય રીતે 15 દિવસ પછી આવતો હોવાથી તહેવારના દિવસે વેચાતા લાખોના ફાફડા-જલેબીની ગુણવત્તા અંગે સમયસર જાણકારી મેળવવી મુશ્કેલ બની રહી છે.

વડોદરા શહેરમાં આવતીકાલ મંગળવારે (20 ઓક્ટોબર) દશેરા પર્વની ઉજવણી સાથે લોકો ફાફડા-જલેબીની મિજબાની માણવા તૈયાર છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા-જલેબીના વેચાણ માટે મંડપો ઊભા કરાયા છે. દશેરાના દિવસે લાખો રૂપિયાના ફાફડા-જલેબીનું વેચાણ થવાની શક્યતા વચ્ચે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને શુદ્ધતા જળવાય તે જરૂરી છે. પરંતુ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા લેવાતા નમૂનાના અહેવાલ 15 દિવસ પછી મળતા હોવાથી તહેવારના દિવસે લોકો જે ખાદ્ય પદાર્થો આરોગશે તેની ગુણવત્તા અંગે તાત્કાલિક ખાતરી મેળવવી મુશ્કેલ બને છે.

દશેરા પર્વને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમોએ આજે (19 ઓક્ટોબર) શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. રેસ્ટોરન્ટ, દુકાનો અને ફાફડા-જલેબીના વેચાણ માટે ઊભા કરાયેલા મંડપોમાં ચેકિંગ કરીને ફાફડા અને જલેબીના નમૂના લેવાયા હતા. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવે છે, પરંતુ તેના અહેવાલ આવતાં સમય લાગે છે. પરિણામે તહેવાર દરમિયાન મોટા પ્રમાણમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે સમયસર જાણકારી મળી શકતી નથી.

ખાદ્ય પદાર્થોની સ્થળ પર જ પ્રાથમિક તપાસ કરી શકાય તે માટે મોબાઇલ ટેસ્ટિંગ વાનની સુવિધા ઉપલબ્ધ છે. તેના દ્વારા તપાસ કરવામાં આવે તો સ્થળ પર જ પ્રાથમિક પરિણામ મેળવી શકાય છે. તેમ છતાં, મોબાઇલ વાનનો પૂરતો ઉપયોગ થઈ રહ્યો ન હોવાનો મુદ્દો સામે આવ્યો છે. બીજી તરફ, પરંપરાગત રીતે લેવાતા નમૂનાના અહેવાલ આવતાં લગભગ 15 દિવસનો સમય લાગતો હોવાથી તહેવારના દિવસે વેચાઈ ગયેલા ફાફડા અને જલેબીની ગુણવત્તા અંગે સમયસર કાર્યવાહી કરવાનો પડકાર રહે છે.