સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરાના ફતેહગંજમાં વૃદ્ધાની લારી જપ્ત, રોજીરોટી ગુમાવી બેઠાં

વડોદરાના ફતેહગંજમાં વૃદ્ધાની લારી જપ્ત, રોજીરોટી ગુમાવી બેઠાં

વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન એક નિરાધાર વૃદ્ધ મહિલાની લારી જપ્ત કરવામાં આવી છે. આ લારી તેમની આજીવિકાનું એકમાત્ર સાધન હતી. આ ઘટનાએ શહેરમાં માનવતા અને તંત્રના વલણ અંગે ચર્ચા શરૂ કરી દીધી છે.

ભાડાના મકાનમાં એકલાં રહેતા આ વૃદ્ધાએ જણાવ્યું કે, તેઓએ પાંચ હજાર રૂપિયા ખર્ચીને લારી ખરીદી હતી. તેના પરથી જ તેમનું ગુજરાન ચાલતું હતું. દર મહિને સાત હજાર રૂપિયા ભાડું અને અન્ય ખર્ચા નીકળતા હતા. હવે લારી જપ્ત થતાં તેઓ સંપૂર્ણ નિઃસહાય બની ગયાં છે.

રડતાં રડતાં વૃદ્ધાએ કહ્યું, "હવે મારામાં હિંમત નથી રહી." તેમણે પાલિકા તંત્રને વિનંતી કરી છે કે તેમની લારી પરત આપવામાં આવે અથવા કોઈ રાહત આપવામાં આવે.

આ ઘટના બાદ શહેરમાં સવાલો ઉઠી રહ્યા છે કે દબાણ હટાવવાની કાર્યવાહી જરૂરી છે, પરંતુ નિરાધાર વ્યક્તિઓની આજીવિકા છીનવી લેવી કેટલી યોગ્ય છે? શું આવી પરિસ્થિતિમાં તંત્રએ માનવીય અભિગમ અપનાવવો જોઈએ?

આ સમગ્ર મામલે વડોદરા મહાનગરપાલિકાનો સત્તાવાર પ્રતિસાદ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટતા મળી નથી.