સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરા: દહેજ ત્રાસથી કંટાળી 19 વર્ષીય યુવતીએ એસિડ પીને આપઘાત કર્યો, પિતા ન્યાય માટે ઝંખે છે

વડોદરા: દહેજ ત્રાસથી કંટાળી 19 વર્ષીય યુવતીએ એસિડ પીને આપઘાત કર્યો, પિતા ન્યાય માટે ઝંખે છે

વડોદરા નજીકના કરચિયા ગામમાં 19 વર્ષીય પરિણીતાએ દહેજની માંગણી અને પતિના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને એસિડ પીને આપઘાત કર્યો છે. આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. યુવતીને ગંભીર હાલતમાં વડોદરાની છાણી સ્થિત શ્રીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું.

મૃતક યુવતીની ઓળખ કાજલ તળપદા તરીકે થઈ છે. તે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના પામોલ રોડ પર ગોકુલનગરમાં રહેતી હતી. તેના લગ્ન 9 એપ્રિલ, 2026ના રોજ વડોદરાના કરચિયા ગામના અશોકભાઈ માળીના પુત્ર હર્ષદ સાથે થયા હતા.

કાજલના પિતા કાભઈ તળપદાએ રડતાં રડતાં જણાવ્યું કે, “મારી દીકરીના મોત બાદ સાસરિયાવાળા કેસમાં સમાધાન કરવા માટે મને 10 લાખ રૂપિયાની ઓફર કરે છે. હું એમને કહું છું કે, હું તમને 25 લાખ રૂપિયા આપું, મારી દીકરીને જીવતી કરી આપો. મારે બીજું કઈ નહીં, મારી દીકરી માટે ન્યાય જોઈએ છે.”

પરિવારના જણાવ્યા અનુસાર, લગ્ન બાદ પતિ હર્ષદ દહેજના રૂપિયાની માંગણી કરીને કાજલ સાથે વારંવાર ઝઘડો કરતો અને માર મારતો હતો. કાજલ જ્યારે પિયર આવતી ત્યારે પણ પતિના ત્રાસ અંગે માતાને જાણ કરતી હતી. માતાએ દીકરીને લગ્નજીવનમાં નાની-મોટી તકરાર થતી હોવાનું કહી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

આશરે બે મહિના પહેલાં પણ હર્ષદે કાજલ સાથે ઝઘડો કરીને માર માર્યા બાદ તેને બોરસદ ખાતે પિયર મૂકી ગયો હતો. ત્યારબાદ નવરાત્રિ દરમિયાન સમાજના આગેવાનોની મધ્યસ્થીથી સમાધાન થતાં દશેરાના દિવસે કાજલને તેના પરિવારજનોએ કરચિયા ખાતે સાસરે મૂકી આવ્યા હતા.

ઘટનાની આગલી રાત્રે કાજલે ફોન પર પરિવારજનો સાથે વાત કરી હતી, ત્યારે તે ગભરાયેલી જણાતી હતી. ગઈકાલે (25 ઓક્ટોબર) વહેલી સવારે આશરે 4 વાગ્યે કાજલના દાદા સસરા માનસિંગભાઈનો ફોન આવ્યો હતો અને કાજલે એસિડ પી લીધું હોવાનું જણાવતાં પરિવારજનો વડોદરાની શ્રીજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેનું મોત થયું હતું.

યુવતીની માતા સજ્જનબેને પોતાના જમાઈ હર્ષદ અશોકભાઈ માળી વિરુદ્ધ દહેજની માંગણી, મારપીટ અને માનસિક ત્રાસ આપવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે. જવાહરનગર પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.