સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરામાં પતિએ દીકરાની જીદમાં પત્નીને પાંચ વખત ગર્ભપાત કરાવ્યો, 25 લાખ દહેજ માગ્યા

વડોદરામાં પતિએ દીકરાની જીદમાં પત્નીને પાંચ વખત ગર્ભપાત કરાવ્યો, 25 લાખ દહેજ માગ્યા

વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતી 43 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ સામે ગંભીર આરોપો મૂક્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે પતિએ દીકરો પામવાની ઘેલછામાં તેમને પાંચ વખત બળજબરીથી ગર્ભપાતની ગોળીઓ ખવડાવીને ગર્ભપાત કરાવ્યો છે. આ ઉપરાંત પતિએ 25 લાખ રૂપિયાની દહેજની માગણી કરી છે અને ધમકીઓ આપી છે.

પીડિતાએ જણાવ્યું કે તેમણે 2008માં પતિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ છે. પરિણીતા દરજીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે પતિ પત્રકાર તરીકે કામ કરે છે. જાન્યુઆરી 2010થી 2019 દરમિયાન તે પાંચ વખત ગર્ભવતી થયાં હતાં. પતિ દીકરો જ ઈચ્છતો હોવાથી ગર્ભમાં દીકરો છે કે દીકરી તે જાણવા માટે તપાસ કરાવવાનું દબાણ કરતો હતો. પત્નીએ આવી તપાસ કરાવવાનો ઇનકાર કરતાં તે મારઝૂડ કરતો અને ધમકીઓ આપતો હતો. ત્યારબાદ મેડિકલ સ્ટોરમાંથી ગર્ભપાતની ગોળીઓ લાવીને કોઈ હાજર ન હોય ત્યારે માર મારીને અને જાનથી મારી નાખવાની ધમકી આપીને પોતાની સંમતિ વિના પાંચ વખત ગર્ભપાત કરાવ્યો હોવાનો આરોપ મૂક્યો છે.

પીડિતાએ વધુમાં જણાવ્યું કે પતિ અવારનવાર દીકરો નહીં જન્માવી શકે તેમ કહીને મહેણાં-ટોણાં મારતો અને તેના પિયર પક્ષ પાસેથી 25 લાખ રૂપિયાની દહેજની માગણી કરતો હતો. દહેજ નહીં આપે તો ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપતો હતો.

15 એપ્રિલ 2026ની રાત્રે તરસાલી શાકમાર્કેટ જતી વખતે પતિએ પત્ની પર કેરોસીન છાંટીને સળગાવી દેવાની ધમકી આપી હતી. ઘરે પરત આવ્યા બાદ આ બાબતે દીકરીઓને કહેતાં પતિએ બોલાચાલી કરીને છાતીના ભાગે મુક્કો માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ પીડિતા પાસે છે. ત્યારબાદ 22 ઓક્ટોબરના રોજ સવારે સાડા નવ વાગ્યે પતિએ ઘરમાંથી નીકળી જવા કહ્યું હતું અને નહીં જાય તો મારી નાખવાની તેમજ ભાડૂતી ગુંડાઓ મોકલીને હત્યા કરાવવાની ધમકી આપી હતી. આ સાથે ગાળો ભાંડીને અને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકતાં પરિણીતા પિયરમાં રહેવા ગઈ હતી.

અત્યાર સુધી દીકરીઓનું ભવિષ્ય અને લગ્નજીવન બચાવવાની આશાએ ચૂપ રહેલી પરિણીતાએ આખરે મકરપુરા પોલીસનો સંપર્ક કરીને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મકરપુરા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.