વડોદરા: વડોદરા અને રાજ્યની વિવિધ સરકારી મેડિકલ કોલેજોમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી ચૂકેલા એક ડૉક્ટરનું વર્ષ 2010માં અવસાન થયું હતું. તેમના અવસાન બાદ તેમની કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકત મેળવવા માટે પત્ની, પુત્રી અને ઘરમાં કામ કરતી મહિલા વચ્ચે કાનૂની વિવાદ ચાલી રહ્યો છે. આ કેસમાં સેશન્સ કોર્ટે તાજેતરમાં મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ડૉક્ટરના લગ્ન 1982માં થયા હતા અને તેમને એક પુત્રી છે. લગ્નજીવન દરમિયાન પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતો હોવાથી પ્રોફેસરે અદાલતમાં છૂટાછેડા માટે દાવો દાખલ કર્યો હતો. બીજી તરફ, પત્નીએ ભરણપોષણ માટે દાવો કરતાં કોર્ટે અગાઉ માસિક રૂ. 4,000 ભરણપોષણ ચૂકવવાનો આદેશ કર્યો હતો. વર્ષ 2010માં પ્રોફેસરનું અવસાન થતાં સંપત્તિને લઈને વિવાદ શરૂ થયો.
પ્રોફેસરની પત્ની અને પુત્રીએ કોર્ટમાં દાવો કર્યો કે તેઓ કાયદેસરના વારસદાર હોવાથી તેમને પ્રોફેસરની નોકરીના તમામ નાણાકીય લાભો જેવા કે ગ્રેજ્યુએટી, પ્રોવિડન્ટ ફંડ (PF), પેન્શન અને LIC પૉલિસીની રકમ મળવી જોઈએ. આ ઉપરાંત, વડોદરામાં આવેલી ત્રણ સ્થાવર મિલકતો—પ્રતાપનગર વિસ્તારમાં એક મકાન, નિઝામપુરા વિસ્તારમાં એક ફ્લેટ અને માંજલપુર વિસ્તારમાં એક મકાન—પર પણ પોતાનો હક હોવાનો દાવો કર્યો હતો. પત્નીએ જણાવ્યું કે પતિનો પગાર સારો હોવાથી તેમણે બચત અને રોકાણ કર્યાં હતાં, પરંતુ અલગ રહેતાં હોવાથી બેંક ખાતાંની ચોક્કસ માહિતી તેમની પાસે નથી.
આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે પ્રોફેસરથી અલગ રહેતી કામવાળી મહિલાએ દાવો કર્યો કે તે પ્રોફેસર સાથે પત્ની તરીકે રહેતી હતી અને તેમની બીમારી તથા વૃદ્ધાવસ્થામાં સેવા-ચાકરી કરતી હતી. તેમના જણાવ્યા મુજબ, પ્રોફેસર તેની નિઃસ્વાર્થ સેવાઓથી પ્રભાવિત થઈને પોતાની હયાતીમાં સબ-રજિસ્ટ્રાર સમક્ષ સાક્ષીઓની હાજરીમાં કાયદેસર રજિસ્ટર્ડ વિલ (વસિયતનામું) કરી આપ્યું હતું. આ વિલમાં પ્રોફેસરે પોતાની તમામ મિલકતો અને હકો તે મહિલાના નામે કર્યા હોવાનો દાવો કરાયો છે. સાબિતી માટે કોર્ટમાં વીડિયો-ડીવીડી પુરાવા પણ રજૂ કરાયા છે. ઉપરાંત, LIC અને બિરલા સન લાઈફની પૉલિસીમાં પણ તેમણે પોતાનું નામ નોમિની તરીકે નોંધાવ્યું હોવાનો આક્ષેપ છે.
અગાઉ ટ્રાયલ કોર્ટમાં પત્નીએ સોગંદનામું રજૂ કર્યું હતું, પરંતુ ત્યારબાદ તેઓ ઉલટતપાસ માટે કોર્ટમાં હાજર રહ્યા ન હતા. આથી કોર્ટે તેમનો પુરાવા રજૂ કરવાનો હક બંધ કરી દીધો હતો અને દસ્તાવેજો સાબિત થઈ શક્યા ન હતા. વર્ષ 2019માં ટ્રાયલ કોર્ટે પત્ની અને પુત્રીનો દાવો રદ કર્યો હતો. તેની સામે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવતાં કોર્ટે સમગ્ર મામલો પુનઃ ટ્રાયલ કોર્ટમાં મોકલીને ફરીથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. આ વિવાદમાં સરકારી વિભાગો અને વીમા કંપનીઓ પણ પક્ષકાર છે.