સત્ય. સાહસ. સંકલ્પ.

કેદારનાથમાં વાદળો અને વરસાદ વચ્ચે શિવભક્તોનો ફૂલશણગાર

કેદારનાથમાં વાદળો અને વરસાદ વચ્ચે શિવભક્તોનો ફૂલશણગાર

હિમાલયની ગોદમાં આવેલા કેદારનાથ ધામમાં વાદળોથી ઢંકાયેલા પહાડો અને ઝરમર વરસાદ વચ્ચે અદભૂત નજારો જોવા મળ્યો છે. શ્રાવણ માસના અંતિમ સોમવાર નિમિત્તે વડોદરાના શિવભક્તોએ આસ્થાભર્યા શ્રમથી કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિરને દૂરથી લાવેલા ફૂલોથી શણગાર્યું છે.

સહજાનંદ-લોટસ ગ્રુપ અને જય ભોલે ગ્રુપના શિવભક્તોએ આ સેવાકાર્ય હાથ ધર્યું હતું. સ્વેજલ વ્યાસના જણાવ્યા અનુસાર, ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાન છતાં તેઓ કોલકાતાથી લગભગ બે હજાર કિલોમીટર દૂર અને દસ હજાર ફૂટની ઊંચાઈએથી ફૂલો લાવ્યા હતા. મંદિર પરિસરને અંદર અને બહાર આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે.

રંગબેરંગી અને સુગંધિત ફૂલોના શણગારે કેદારનાથ ધામની શોભામાં વધારો કર્યો છે. દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ વડોદરાના શિવભક્તોની નિસ્વાર્થ સેવા જોઈને પ્રભાવિત થયા હતા. ઝરમર વરસાદ વચ્ચે સમગ્ર કેદારઘાટી 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઊઠી હતી.

છેલ્લા સોમવારને લઈને પહેલા દિવસથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મંદિરની સાથે નંદીનો પણ ખાસ શણગાર કરવામાં આવ્યો છે. વરસાદને કારણે ફૂલો લાવવામાં ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, છતાં તેમણે આ કાર્ય પૂર્ણ કર્યું છે.