વડોદરા: વડોદરા શહેરમાં સાયબર ઠગાઈની બે અલગ-અલગ ઘટનાઓમાં બે વરિષ્ઠ નાગરિકોએ કુલ ₹5.14 લાખની આર્થિક ખોટ વેઠવી પડી છે. એક કિસ્સામાં વકીલને સિનિયર સિટીઝન કાર્ડની ઓફરના બહાને APK ફાઈલ મોકલીને ₹4.72 લાખ પડાવી લેવાયા છે, જ્યારે બીજા કિસ્સામાં ઉજ્જૈનનાં મહાકાલ દર્શન અને હોટેલ બુકિંગ માટે ChatGPTની મદદ લેવી એક વૃદ્ધને મોંઘી પડી અને તેમણે ₹70,000 ગુમાવ્યા છે. બંને ઘટનાઓ અંગે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ ચાલી રહી છે.
પ્રથમ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે, ઓપી રોડ નજીક મિહિર પાર્ક સોસાયટીમાં રહેતા વરિષ્ઠ વકીલ સુધાંશુ ભટ્ટે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. 26 ઑક્ટોબરના રોજ તેઓ મોબાઈલ પર સર્ફિંગ કરી રહ્યા હતા ત્યારે એક જાહેરાતનું પોપ-અપ આવ્યું. તેમાં બેન્ક ઓફ ઈન્ડિયાના સિનિયર સિટીઝન કાર્ડની ઓફર હતી. તેમણે તેમાં અરજી કરી, ત્યારબાદ તેમને એક ફોન આવ્યો. ફોન કરનારે ડેબિટ કાર્ડનો પીન નંબર માંગ્યો, પરંતુ વકીલે તે આપવાનો ઇનકાર કર્યો. ત્યારબાદ બીજા ફોનમાં બેન્ક ઓફ ઈન્ડિયામાંથી વાત કરતા હોવાનું કહીને તેમને એક APK ફાઈલ મોકલવામાં આવી. ઠગે ફોન ચાલુ રાખીને બધી વિગતો ભરવા જણાવ્યું. આ વાતચીત દરમિયાન લગભગ 16 મિનિટ સુધી ફોન ચાલ્યો, પરંતુ અચાનક ફોન કટ થઈ ગયો. બે દિવસ પછી જ્યારે વકીલે બેન્ક બેલેન્સ ચેક કર્યું તો તેમના ખાતામાંથી ₹4.72 લાખ ઉપડી ગયા હોવાનું જાણવા મળ્યું.
બીજી ઘટનામાં, અકોટા રોડ પર આરસી પટેલ એસ્ટેટ નજીક રહેતા વરિષ્ઠ નાગરિક જયપ્રકાશ પાંડેએ 14 ઑક્ટોબરે ઉજ્જૈનનાં મહાકાલ દર્શન માટે જવાનું નક્કી કર્યું અને બુકિંગની વિગતો મેળવવા ChatGPTની મદદ લીધી. તેમાં તેમને ‘શ્રી મહાકાલ ભવન’ નામની એક લિંક મળી. તેમણે તેના પર વિગતો મેળવવાનો પ્રયાસ કરતાં તેમનો કોલ ફોરવર્ડ થઈ ગયો અને સામેના વ્યક્તિએ રૂમ બુકિંગની વિગતો મેળવી. રૂમ બુક કરવાના બહાને આરોપીએ જયપ્રકાશ પાસેથી કુલ ₹70,770 પડાવી લીધા. આ ઘટના અંગે પણ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
સાયબર નિષ્ણાતોના મતે, APK ફાઈલ એ એન્ડ્રોઈડ એપ્લિકેશનની ફાઈલ હોય છે, જેને ઇન્સ્ટોલ કરવાથી ફોનમાં રહેલી માહિતી ચોરી થઈ શકે છે. તેથી અજાણ્યા સ્રોતમાંથી આવેલી APK ફાઈલ ક્યારેય ડાઉનલોડ કે ઇન્સ્ટોલ ન કરવી જોઈએ. તેમજ ઓનલાઈન બુકિંગ કરતી વખતે અધિકૃત વેબસાઈટનો ઉપયોગ કરવો અને કોઈપણ અજાણ્યા ફોન કે લિંક પર વ્યક્તિગત માહિતી શેર ન કરવી એ સલાહ આપવામાં આવી છે.