સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરામાં દંપતીના ઝઘડામાં ChatGPTની એન્ટ્રી, પત્નીએ 181 અભયમની લીધી મદદ

વડોદરામાં દંપતીના ઝઘડામાં ChatGPTની એન્ટ્રી, પત્નીએ 181 અભયમની લીધી મદદ

વડોદરા શહેરમાં રહેતા એક દંપતીના લગ્નજીવનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ચેટબોટ ChatGPTની દખલગીરી વિખવાદનું કારણ બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પતિ-પત્ની વચ્ચે થતા નાના-મોટા ઝઘડાનો ઉકેલ શોધવા માટે પતિ ChatGPTને સવાલ પૂછતો હતો. AIએ તેને પુરાવા રાખવાની સલાહ આપી હતી, જે બાદ પતિએ પત્નીના ગુસ્સાવાળા વીડિયો અને રેકોર્ડિંગ બનાવવાનું શરૂ કર્યું હોવાનો પત્નીએ આક્ષેપ કર્યો છે.

શાદી ડોટકોમ દ્વારા ચાર વર્ષ પહેલાં બંનેનો સંપર્ક થયો હતો અને બે વર્ષના રિલેશન બાદ લગ્ન કર્યા હતા. મહિલા મહારાષ્ટ્રીયન છે જ્યારે યુવક ગુજરાતી છે. લગ્ન પહેલાં પતિની અપેક્ષા હતી કે પત્ની નોકરી કરે, પરંતુ લગ્ન બાદ પત્નીએ ગૃહિણી તરીકે ઘરમાં જ રહેવાનું પસંદ કરતાં બંને વચ્ચે મતભેદ શરૂ થયા હતા. આ ઉપરાંત જમવાની બાબતે પણ ઝઘડો થતો હતો. યુવતી મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં જમવાનું બનાવતી હતી જે યુવકને ગમતું ન હતું, કારણ કે તે ગુજરાતી હોવાથી ગળ્યું ખાવા ટેવાયેલો હતો.

આ અંગે પતિ ChatGPTને સવાલ કરતો કે, 'પત્ની જમવાનું ગળ્યું બનાવે છે શું કરવું?', 'પત્ની જવાબ શું આપશે અને જવાબ આપે તો સામે શું કહેવું?' તેમજ 'ઝઘડો મોટો થાય તો કયા કયા પુરાવા રાખવા?' આ સવાલોના જવાબમાં AIએ દરેક વાતના પુરાવા રાખવાની સલાહ આપી હતી.

પત્નીના આક્ષેપ પ્રમાણે, પતિ બોલાચાલી કરી વીડિયો અને રેકોર્ડિંગ કરતો હતો અને ત્યારબાદ તે રેકોર્ડિંગ અને વીડિયો બતાવીને વારંવાર હેરાન કરતો હતો. ધીમે ધીમે ઘરેલું વિખવાદ વધતાં પતિએ છૂટાછેડાની વાત શરૂ કરી હતી. પતિના માનસિક ત્રાસ અને છૂટાછેડાની વાતથી કંટાળેલી પત્નીએ 181 અભયમની મદદ માગી હતી.

181 અભયમની ટીમ મહિલાએ આપેલા સરનામે પહોંચી હતી અને મહિલાનું કાઉન્સિલિંગ કરતા ચોંકાવનારી બાબતો જાણવા મળી હતી. સમગ્ર હકીકત જાણ્યા બાદ ટીમે બંને પક્ષને સમજાવ્યું હતું કે લગ્ન કોઈ મશીન કે AIની સલાહથી નહીં, પરંતુ એકબીજાની પસંદગી અને સમજણથી થયાં છે. જીવનસાથી વચ્ચેના પ્રશ્નોનો ઉકેલ વ્યવહારુ સમજણ, પરસ્પર વિશ્વાસ અને સંવાદથી લાવવો જોઈએ. દરેક ઘરેલું બાબતમાં AIની સલાહને અંતિમ માની સંબંધોમાં કડવાશ વધારવી યોગ્ય નથી. અંતે બંનેને એકબીજાને સમજવા અને થોડો સમય આપવા સમજાવી, ઉતાવળમાં છૂટાછેડા જેવા નિર્ણય ન લેવા કાઉન્સેલિંગ દ્વારા સમાધાન કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.