વડોદરા: વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા 1 નવેમ્બરથી CNG અને પાઇપલાઇન ગેસ (PNG)ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો દિવાળીના તહેવારો વચ્ચે લાગુ થયો છે, જેનાથી વાહનચાલકો અને ઘરેલું ગેસ વાપરતા પરિવારો પર આર્થિક બોજ વધશે.
નવા ભાવ મુજબ, CNGનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹1.50 વધીને ₹90.50 થયો છે, જ્યારે PNGનો ભાવ પ્રતિ ઘનમીટર 50 પૈસા વધીને ₹56.24 (વેટ સિવાય) થયો છે. આ પહેલાં CNG ₹89 પ્રતિ કિલોગ્રામ અને PNG ₹55.74 પ્રતિ ઘનમીટર હતો.
કંપનીએ ભાવવધારા પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં થયેલો વધારો અને ડોલરના વિનિમય દરમાં થયેલો વધારો જવાબદાર ગણાવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, વર્ષ 2025-2026 દરમિયાન આયાતી પ્રવાહી કુદરતી ગેસ (R-LNG)ની લેન્ડેડ કિંમતમાં 26% અને ઘરેલુ ગેસની કિંમતમાં 19%નો વધારો થયો છે. ઉપરાંત, અમેરિકી ડોલરના વિનિમય દરમાં 8%નો વધારો થવાથી ડોલર આધારિત ગેસની કિંમત પણ વધી છે.
આ ભાવવધારાની અસર VGLના કુલ 3.97 લાખ ગ્રાહકો પર થશે. કંપની 2.82 લાખ ઘરો, 3,000 વ્યાપારી એકમો અને 71 ઔદ્યોગિક એકમોને પાઇપલાઇન ગેસ પૂરો પાડે છે. ઉપરાંત, રોજ 1.60 લાખ કિલોગ્રામથી વધુ CNGનું વિતરણ કરે છે અને 1.15 લાખથી વધુ વાહન ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરે છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષમાં CNGના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2021માં CNG ₹53 પ્રતિ કિલોગ્રામ હતો, જે હવે ₹90.50 થયો છે, એટલે કે ₹37.50નો વધારો. તેવી જ રીતે, પાઇપલાઇન ગેસનો ભાવ 2022માં ₹35.65 પ્રતિ ઘનમીટર હતો, જે હવે ₹56.24 થયો છે, એટલે કે ₹20.59નો વધારો.
આ પહેલાં અદાણી ગેસ દ્વારા પણ CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹4.45નો વધારો કરવામાં આવ્યો હતો. હવે VGLના ભાવવધારાથી રિક્ષાચાલકો, મધ્યમ વર્ગના પરિવારો અને નાના વેપારીઓ પર મોંઘવારીનો વધારાનો ભાર પડશે.