વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા રામવાડીમાં 4 નવેમ્બરની મોડી રાત્રે પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાતાં આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ કારમાં રહેલી CNG બોટલ પ્રચંડ ધડાકા સાથે ફાટી હતી. ધડાકો એટલો જોરદાર હતો કે કારના પતરાના ટુકડા લગભગ 200 મીટર દૂર સુધી ઊડીને પડ્યા હતા, જેમાં ત્રીજા માળે પણ કારના ભાગ પડ્યાની માહિતી મળી છે.
આ ઘટનાને કારણે ચાર લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં ઉષાબેન, દીપિકાબેન, નગીનભાઈ પરમાર, સવિતાબેન વાઘેલા અને વીણાબેન પરમારનો સમાવેશ થાય છે. એક મહિલાના હાથમાં કારના પતરાનો ટુકડો ઘૂસી ગયો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિના પગમાં પતરું વાગ્યું હતું. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રત્યક્ષદર્શી ઉષાબેને જણાવ્યું કે, રાત્રે આગ લાગતાં તેઓ જોવા માટે બહાર નીકળ્યા હતા. તે વખતે એક યુવક કારને હટાવી રહ્યો હતો. તેમને પોતાના દીકરાની ચિંતા થઈ, તેથી તેઓ દરવાજે ઊભા રહ્યા હતા. એટલામાં અચાનક ભડકો થયો અને ઊડીને આવેલું પતરું તેમને વાગ્યું. બાદમાં પોલીસે તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર આગ કાબૂમાં આવતાં આસપાસના વિસ્તારમાં મોટું નુકસાન થતું અટક્યું હતું. કાર કોની હતી અને આગ કયા કારણોસર લાગી હતી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.