સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરામાં દિવસદીઠ ચેન સ્નેચિંગ: વૃંદાવન સોસાયટી પાસે મહિલાની ચેન ઝૂંટવી, બે શખ્સ ફરાર

વડોદરામાં દિવસદીઠ ચેન સ્નેચિંગ: વૃંદાવન સોસાયટી પાસે મહિલાની ચેન ઝૂંટવી, બે શખ્સ ફરાર

વડોદરા શહેરના આટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૃંદાવન સોસાયટી પાસે જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના સામે આવી છે. રસ્તા પર જઈ રહેલી એક આધેડ મહિલાના ગળામાંથી ચેન ખેંચીને બે શખ્સો બાઈક પર ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, મહિલા રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક શખ્સે તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ તક મળતાં જ શખ્સે મહિલાના ગળામાંથી ચેન ખેંચી લીધી હતી. ઘટનામાં તેનો અન્ય એક સાગરિત બાઈક લઈને નજીકમાં ઉભો હોવાનું CCTVમાં દેખાઈ રહ્યું છે. ચેન ખેંચ્યા બાદ બંને શખ્સો બાઈક પર બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

ચેન સ્નેચિંગની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. CCTV દ્રશ્યોમાં શખ્સ મહિલા અને અન્ય મહિલાઓનો પીછો કરતો જોવા મળે છે. ત્યારબાદ તક મળતાં જ તે મહિલાના ગળામાંથી ચેન ખેંચી લે છે અને બાઈક પર બેઠેલા સાગરિત સાથે ફરાર થઈ જાય છે.

જાહેર રસ્તા પર બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે. ચેન સ્નેચરોની વધતી પ્રવૃત્તિને કારણે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં ચેન સ્નેચિંગના બનાવો સામે આવતા પોલીસની ગુનાશોધક શાખાઓ સામે પણ ગઠિયાઓને ઝડપી પાડવાનો પડકાર ઊભો થયો છે.

સમગ્ર મામલે આટલાદરા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે CCTVમાં કેદ થયેલા શખ્સોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.