વડોદરામાં ભાજપની 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન પહેલાં શહેરના વિવિધ વિસ્તારોમાં #Pro Modi અને #Anti BJP લખેલા પોસ્ટરો લાગતા વિવાદ સર્જાયો છે. શહેરના મુખ્ય માર્ગો પર 'ભાજપ સુધારો, લોકશાહી બચાવો'ના નારા સાથેના આ પોસ્ટરો જોવા મળ્યા છે.
આ પોસ્ટર કોણે લગાવ્યા તે અંગે તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. પોસ્ટરની નીચે #Pro Modi અને #Anti BJP લખવામાં આવ્યું છે. જો કે, પોસ્ટર લગાવનારાઓની ઓળખ હજુ સુધી સામે આવી નથી. ચર્ચા છે કે આ પોસ્ટર ક્રાંતિકારી સેનાના નેજા હેઠળ લગાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપે રાજ્યભરમાં 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન' શરૂ કર્યું છે. પાર્ટીનો દાવો છે કે કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન) મુદ્દે ફેલાવવામાં આવતી ભ્રામક માહિતી સામે તથ્યો ઉજાગર કરવા અને લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે જનવિશ્વાસ મજબૂત કરવા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આજે (28 ઓક્ટોબર) વડોદરામાં બપોરે 4 વાગ્યે પદયાત્રા યોજાવાની છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. પદયાત્રા નવલખી મેદાનથી શરૂ થઈને કીર્તિસ્તંભ, માર્કેટ ચાર રસ્તા, બંબાખાના ચાર રસ્તા, ટાવર ચાર રસ્તા, કોઠી ચાર રસ્તા થઈને પુનઃ નવલખી મેદાન ખાતે સમાપ્ત થશે. આ રૂટ પર વિવિધ વેપારી મંડળો અને સ્થાનિક રહીશો દ્વારા પદયાત્રાનું સ્વાગત કરવામાં આવશે.
ગઈકાલની પદયાત્રામાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ, પદયાત્રાને સફળ બનાવવા માટે સત્તાધારી પક્ષ તૈયારીમાં લાગ્યો છે.