વડોદરાના જાણીતા રંગોળી કલાકાર રાજેન્દ્ર ડિંડોલકરને દિલ્હીમાં યોજાયેલી BRICS સમિટમાં રંગોળી કળા રજૂ કરવા માટે વિદેશ મંત્રાલય તરફથી ખાસ આમંત્રણ મળ્યું હતું. ચાર વિદ્યાર્થીઓ સાથે દિલ્હી પહોંચેલા ડિંડોલકરે ત્રણ દિવસમાં 14 ફૂટ x 14 ફૂટની પરંપરાગત ભારતીય રંગોળી બનાવી હતી. આ ઉપરાંત તેમણે પાણી પર BRICSનો લોગો પણ રંગોળી દ્વારા દર્શાવ્યો હતો.
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં રાજેન્દ્ર ડિંડોલકરે જણાવ્યું કે, 'મને વિદેશ મંત્રાલય તરફથી દિલ્હી BRICS સમિટમાં આવવા માટે આમંત્રણ મળ્યું હતું. સમિટના કાર્યક્રમમાં ખાસ કરીને પાણી ઉપર રંગોળી બનાવવાનું આમંત્રણ હતું. હું મારા ચાર વિદ્યાર્થી પ્રાચી આયરે, અવની ડિંડોલકર, રાજેશ રાઠવા અને ભાર્ગવ પટેલ સાથે દિલ્હી ગયો હતો. ત્યાં અમે ત્રણ દિવસમાં 14 ફૂટ બાય 14 ફૂટની ભારતીય પરંપરાગત રંગોળી તૈયાર કરી હતી. બીજી એક પાણી ઉપર રંગોળી બનાવી હતી, જેમાં BRICSનો લોગો બનાવ્યો હતો.'
તેમણે વધુમાં જણાવ્યું કે, 'અમે પાણી ઉપર રંગોળી બનાવવાનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન આપતા હતા. ત્યાં દેશ-વિદેશના ઘણા મહેમાનો આવીને રંગોળીની ખૂબ પ્રશંસા કરતા હતા અને ફોટોગ્રાફ્સ લેતા હતા. તે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન પણ ત્યાં આવ્યા હતા. મોદી સાહેબે તેમને રંગોળી વિશે માહિતી આપી અને રંગોળી જોતાં જોતાં મારી પાસે આવીને વાત કરવા લાગ્યા હતા.'
ડિંડોલકરે ઉમેર્યું કે, 'તે જ વખતે કોઈએ ગુજરાતીમાં પૂછ્યું કે આ રંગોળી શેના પર બનાવી છે? એટલે મેં તરત જ કહ્યું કે પાણી ઉપર બનાવી છે. મેં પાણીમાં આંગળી નાખીને પણ બતાવ્યું હતું. મેં ગુજરાતીમાં વાત કરી એટલે મોદી સાહેબ ખુશ થઈને બોલ્યા કે, અરે વાહ! તમે તો બહુ સરસ ગુજરાતી બોલો છો! મેં કહ્યું, હા, હું ગુજરાતના વડોદરાનો જ છું. તેમણે હસીને ખૂબ પ્રશંસા કરી હતી.'
તેમણે કહ્યું કે, 'આ પહેલાં પણ વડાપ્રધાન મોદીને મળી ચૂક્યો છું. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જૂનાગઢમાં રંગોળીના કાર્યક્રમ વખતે મને મળવાનો અવસર મળ્યો હતો. તે સિવાય પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે ગાંધીજી અને કસ્તૂરબાનું એક જૂનું પેઇન્ટિંગ હતું, જેને રિસ્ટોરેશન માટે અમારા મ્યુઝિયમમાં લાવવામાં આવ્યું હતું. તે પેઇન્ટિંગ ખૂબ ખરાબ થઈ ગયું હતું. અમે ટચિંગ કરીને તેને ખૂબ સરસ બનાવ્યું હતું. ખુદ મોદી સાહેબે કીધું હતું કે, આ પેઇન્ટિંગ વડોદરા મ્યુઝિયમમાં મોકલો તો સરસ થશે. કામ પત્યા પછી પેઇન્ટિંગ જોઈને તેઓ બહુ ખુશ થયા હતા.'
રાજેન્દ્ર ડિંડોલકરે કહ્યું કે, 'પીએમ મોદી સાથે વાત થતા ત્રણ દિવસનો થાક એક ક્ષણમાં દૂર થઈ ગયો.'
તેમણે વધુમાં જણાવ્યું કે, 'પોરબંદરમાં શંખ અને છીપલાંની એક રંગોળી બનાવી હતી. ત્યાંના મ્યુઝિયમના ઉદ્ઘાટન પ્રસંગે મોદી સાહેબ આવ્યા હતા. મારી રંગોળી જોઈને તેમણે મારા ખભા પર હાથ રાખીને મને શાબાશી આપી હતી. જ્યારે આવા મહાનુભાવો આપણી કળાની સરાહના કરે છે, ત્યારે આંખમાં ખુશીના આંસુ આવી જાય છે અને દિલથી એક અલગ ભાવના અનુભવાય છે. આપણી કળાને આગળ વધારવા માટે આવી પ્રશંસા ખૂબ મોટી પ્રેરણા આપે છે.'
તેમણે કહ્યું કે, 'હું નાનપણથી જ આ ક્ષેત્રમાં જોડાયેલો છું. આજે હું જે કંઈ પણ છું તે મારા પિતાના પ્રતાપે જ છું. નાનપણમાં જ્યારે દિવાળી સમયે બહાર ઓટલા બનાવતા, ત્યારે બધા ડિઝાઇન બનાવતા પરંતુ હું અલગ અલગ ચિત્રો જ બનાવતો. મારી આ કળા જોઈને આજુબાજુના અનેક મહોલ્લામાંથી લોકો જોવા આવતા અને ખૂબ ખુશ થતા. લોકોને ખુશ જોઈને મને વધુ ઉત્સાહ અને પ્રેરણા મળતી કે હું હજુ કંઈક નવું અને સારું કામ કરું.'
'મેં ફાઇન આર્ટ્સનો અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ શેડલાઇટ વગેરેનું જ્ઞાન મેળવ્યું. વડોદરામાં 1985થી 'સ્વસ્તિક કલાકાર ગ્રુપ' કાર્યરત છે, જેનો હું ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ છું. અમે દર વર્ષે દિવાળીના સમયે વડોદરામાં રંગોળી પ્રદર્શનનું આયોજન કરીએ છીએ. આ પ્રદર્શન જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે અને લાઈનો લગાવે છે. જ્યારે લોકો આવીને રંગોળીઓ જોઈને ખુશ થાય છે, ત્યારે આપણી ભારતીય કળા અને પરંપરા વિશે ગર્વ થાય છે.'