વડોદરા શહેરના અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્તને કેન્દ્રીય રેલવે બોર્ડની બેઠકમાં મંજૂરી મળી છે. આ નિર્ણયથી વડોદરાવાસીઓને મોટી રાહત મળશે.
મંજૂર થયેલો ઓવરબ્રિજ ફોર લેનનો હશે, જે રેલવે સ્ટેશન અને અલકાપુરી વિસ્તારને જોડશે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 166 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. આ ખર્ચમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સરખા ભાગે ભાગ ભોગવશે.
અલકાપુરી ગરનાળામાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યા લાંબા સમયથી સ્થાનિકો માટે મુશ્કેલીરૂપ બની રહી છે. ભારે વરસાદ વખતે ગરનાળામાં પાણી ભરાતા વાહનવ્યવહારને અસર થતી હતી અને શહેરના પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારો વચ્ચેનો સંપર્ક પણ ખોરવાઈ જતો હતો. ઓવરબ્રિજ બન્યા બાદ આ સમસ્યામાંથી રાહત મળવાની અપેક્ષા છે.
આ ઉપરાંત, ઓવરબ્રિજ બન્યા બાદ અલકાપુરી અને રેલવે સ્ટેશન વિસ્તાર વચ્ચેના વાહનવ્યવહારને વધુ સુગમ બનાવવામાં મદદ મળશે.
અલકાપુરી ઓવરબ્રિજને મંજૂરી મળતા વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વડોદરાના મહત્વના વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરવાની સાથે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યામાં પણ ઘટાડો થવાની અપેક્ષા છે.