સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરાના ગોરવામાં સાસુએ વહુ પર એસિડ ફેંક્યું, પતિની ધરપકડ

વડોદરાના ગોરવામાં સાસુએ વહુ પર એસિડ ફેંક્યું, પતિની ધરપકડ

વડોદરાના ગોરવા વિસ્તારમાં ઘરેલુ અત્યાચારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાસુએ પુત્રવધુ પર એસિડ ફેંક્યું હોવાનો આરોપ છે. પીડિતાનું નામ હેલી છે, જેને એસિડથી એલર્જી છે. તેથી તેણે બાથરૂમ સાફ કરવાની ના પાડી હતી. આ બાબતે સાસુ ઉશ્કેરાઈ ગઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આરોપ છે કે સાસુ બાથરૂમમાંથી એસિડની બોટલ લઈને આવી અને હેલીના મોઢા તથા ગળાના ભાગે એસિડ ફેંક્યું. એસિડથી દાઝી ગયેલી હેલીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી. તેને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ઘટના બાદ હેલીએ પોતાના પતિ પિયુષ દુધરેજીયાને ફોન કર્યો હતો, પરંતુ સંતોષકારક પ્રતિસાદ ન મળતાં તેણે પિતરાઈ ભાઈને જાણ કરી હતી. બાદમાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી.

સમગ્ર મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં પતિ પિયુષ દુધરેજીયા, સાસુ, સસરા અને બે નણંદ મળી કુલ પાંચ સાસરિયાં સામે માનસિક અને શારીરિક ત્રાસ તેમજ દહેજને લઈને ત્રાસ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગોરવા પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે અને પતિ પિયુષ દુધરેજીયાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓની ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.