પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ થયેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત 'વારાણસીથી વડનગર સેવા યાત્રા'નો સમાપન સમારોહ 7 ઓક્ટોબરે વડનગર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી સહિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો હાજર રહેશે.
જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જોકે, કયા રાજ્યોના મુખ્યમંત્રીઓ આવશે તેની સત્તાવાર યાદી હજુ જાહેર થઈ નથી. સાંજ સુધીમાં નામો જાહેર થવાની શક્યતા છે.
મુખ્ય સમાપન સમારોહ વડનગર સ્થિત સાતસો સમાજની વાડી ખાતે બપોરે 4 કલાકે યોજાશે. આ માટે વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે, જેમાં 20 હજારથી વધુ લોકો બેસી શકશે. વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વિવિધ વિભાગોના કર્મચારીઓ સાથે સતત બેઠકો યોજાઈ રહી છે.
સેવા યાત્રાના ભાગરૂપે વારાણસીથી પ્રસ્થાન કરેલા 500 જેટલા બાઇકર્સ 6 ઓક્ટોબરે વડનગર આવી પહોંચશે. તેમના સ્વાગત માટે નગરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. સાંજે આ બાઇકર્સ ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે યોજાનારી ભવ્ય મહાઆરતીમાં સહભાગી થશે. આ પ્રસંગે ગુજરાતની સમૃદ્ધ વિરાસત અને પરંપરાઓને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
બાઇકર્સ વડનગરના સ્થાનિક પરિવારોના ઘરે આતિથ્ય માણશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરશે. 7 ઓક્ટોબરે સવારે 8 કલાકે આ બાઇકર્સ વારાણસીથી લાવેલા પવિત્ર જળથી વડનગરના આસ્થાના કેન્દ્ર સમાન પ્રાચીન હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કરશે. ત્યારબાદ તેઓ સ્થાનિક પરિવારો સાથે બેસીને વડાપ્રધાનના 'સેવા જ્યોતિ યાત્રા' કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળશે.
બપોરે 12:30 કલાકે તમામ બાઇકર્સ વડનગર સાયન્સ કોલેજ ખાતે એકત્રિત થઈને સામૂહિક વૃક્ષારોપણ કરશે અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપશે. વૃક્ષારોપણ બાદ તેઓ વડનગરના ભવ્ય ઈતિહાસ અને પ્રાચીન અસ્મિતાની ઝાંખી કરાવતા 'એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમ' (અનંત અનાદિ વડનગર)ની મુલાકાત લેશે.
ઉંઝાના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રીના જન્મદિવસથી વારાણસીથી વડનગર સુધીની બાઇક રેલી સેવા યાત્રા તરીકે નીકળી છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ માર્ગમાં આવતા વિવિધ સ્થળોએ સેવાનો સંદેશ પહોંચાડવાનો છે. વડનગરના લોકો આ સમારોહ માટે ખૂબ ઉત્સુક છે. બાઇક રેલીના સન્માન બાદ બાઇકર્સ હાટકેશ્વર મહાદેવના દર્શન કરશે અને ગંગાજળ હાટકેશ્વર દાદાને ચઢાવશે. શર્મિષ્ઠા બેટ પર રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.
આયોજનને આખરી ઓપ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિભાગોના કર્મચારીઓ સાથે સાતસો સમાજની વાડી ખાતે સતત બેઠકોનો દોર યોજવામાં આવી રહ્યો છે.