સત્ય. સાહસ. સંકલ્પ.

વડગામમાં ભીખ માગતા પરિવારના બાળકનું અપહરણ, પોલીસે 30 કલાકમાં બચાવ્યું

વડગામમાં ભીખ માગતા પરિવારના બાળકનું અપહરણ, પોલીસે 30 કલાકમાં બચાવ્યું

બનાસકાંઠાના વડગામ તાલુકાના ધનપુરા ગામમાં 6 એપ્રિલે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. રાજસ્થાનથી ભીખ માગવા આવેલા પૂજારામ અને તેની પત્ની જલોત્રાના 4 વર્ષના દીકરા વેદનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે સતત 30 કલાકની તપાસ બાદ બાળકને સલામત છોડાવીને બે આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 6 એપ્રિલે શૈલેષ લાડુભાઇ ગમાર (રહે. કાંસા ગામ, દાંતા) પોતાની કાર લઇને ધનપુરાથી પસાર થઇ રહ્યો હતો. તેણે વેદ અને તેના ભાઇ-બહેનને જોયા અને કાર ઊભી રાખી. 10 રૂપિયાની નોટ આપીને વેદને ઉઠાવી ગયો. ઓળખ છુપાવવા માટે તેણે વેદના કપડાં બદલી નાખ્યા અને માથાના વાળ પણ કાપી નાખ્યા. બાદમાં વેદનો ફોટો પાબુ ઉર્ફે બાબુ મુંગળાભાઇ ભગોરા (રહે. ખાપરા ગામ, અમીરગઢ)ને મોકલીને સોદો નક્કી કર્યો.

ઘટનાની જાણ થતાં જ બનાસકાંઠા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને CCTV કેમેરાની મદદથી તપાસ શરૂ કરી. CCTV ફૂટેજમાં વેદને સિલ્વર કલરની કારમાં લઇ જતા દેખાયો. કાર મુમનવાસ, મોકેશ્વર ડેમ અને દાંતા તરફ ગઇ હોવાની માહિતી મળી. પોલીસે એ રૂટ પરના તમામ CCTV, બસ સ્ટેશન, આસપાસના ગામડાં, હોટેલ્સ અને ઘાસચારાના ઠેકાઓ પર તપાસ કરી. 50થી વધુ પોલીસકર્મીઓનો કાફલો તપાસમાં જોડાયો.

8 એપ્રિલે પોલીસને બાતમી મળી કે શૈલેષે વેદને દાંતાના કાંસા ગામથી 40 કિલોમીટર દૂર મેપડા ગામના એક ખેતરમાં રાખ્યો છે. આ બાતમી બાળ તસ્કરીના રેકેટ તરફ ઇશારો કરતી હતી. પોલીસની ટીમે મેપડા ગામે જઇ ખેતરને ચારેતરફથી ઘેરી લીધું અને વેદને હેમખેમ છોડાવી લીધો. ખેતરમાંથી શૈલેષ અને પાબુને ઝડપી લેવામાં આવ્યા. પોલીસે વેદને તેના માતા-પિતાને સોંપી દીધો.

પૂછપરછમાં ખૂલ્યું કે શૈલેષે મેપડા ગામે ચૌધરીનું ખેતર ભાગે રાખ્યું હતું. વેદનું અપહરણ કર્યા બાદ તેને ત્યાં જ લઇ જવાયો હતો. શૈલેષ અને પાબુ એકબીજાને છેલ્લા એક વર્ષથી ઓળખતા હતા. બન્ને આંતરરાજ્ય વોન્ટેડ આરોપીઓના સંપર્કમાં હતા અને છોકરીઓના લગ્ન કરાવવાનું કામ કરતા હતા, જેના બદલામાં તેમને કમિશન મળતું હતું.

એક વખત પાબુએ શૈલેષને કહ્યું કે તેના સંપર્કમાં એક હિન્દી ભાષી માણસ છે, જે બાળક ખરીદવા માગે છે. શૈલેષને પોતાના એક સગાં યાદ આવ્યા, જેમને એક મહિના પહેલાં બાળકનો જન્મ થયો હતો. શૈલેષે તેમની સામે બાળક વેચવાનો પ્રસ્તાવ મૂક્યો અને તેઓ તૈયાર થઇ ગયા. પાબુ મારફતે 1 લાખ રૂપિયામાં બાળકનો સોદો કરીને વેચી નાખ્યું. સરળતાથી પૈસા મળી જતાં બન્નેએ છોકરીઓના લગ્ન કરાવવાનું કામ પડતું મૂકીને બાળ તસ્કરીના રેકેટમાં ઝંપલાવ્યું.

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે પાબુ મહારાષ્ટ્રના થાણેના આંબીવલી સ્ટેશન રોડ પર રહેતી લક્ષ્મી પવાર સાથે વોટ્સએપ મારફતે સંપર્કમાં આવ્યો હતો. લક્ષ્મી પ્રેગનન્ટ હોવાથી પાબુએ તેને સમજાવીને જે બાળક જન્મે તેને વેચી નાખવા માટે તૈયાર કરી હતી. જાન્યુઆરી 2026માં લક્ષ્મીએ દીકરાને જન્મ આપ્યો અને દવાખાનામાં કોઇને જાણ કર્યા વગર નીકળી ગઇ. તે ખાપરા ગામે પાબુના ઘરે આવી. પાબુએ લક્ષ્મીના દીકરાના ફોટો પાડીને 17 વર્ષના એક કિશોરને મોકલ્યા. 11 ફેબ્રુઆરીએ કિશોર પોતાની સાથે...

આ કેસમાં પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે 17 વર્ષના એક કિશોરની ધરપકડ કરીને વડગામ પોલીસને સોંપી છે. પોલીસે જણાવ્યું કે જો સમયસર ટીમ ન પહોંચી હોત તો પાબુ વેદને લઇને રાજ્ય બહાર તેનું વેચાણ કરી નાખવાનો હતો. હાલ પોલીસ આખા નેટવર્કની તપાસ કરી રહી છે.