સત્ય. સાહસ. સંકલ્પ.

ગંગોત્રી યાત્રા દુર્ઘટના: સુરતના 3 સહિત 4ના મોત, 2 લોકો ગુમ

ગંગોત્રી યાત્રા દુર્ઘટના: સુરતના 3 સહિત 4ના મોત, 2 લોકો ગુમ

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી હાઈવે પર ગંગનાની નજીક ગુરુવારે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. હરિદ્વારથી ભાડે લીધેલી ઈનોવા કાર (નંબર UK08 TA6040) રસ્તા પરથી 300 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ અને સીધી નદીમાં ખાબકી. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે એક 18 વર્ષીય યુવક ગંભીર રીતે ઘાયલ છે. કારમાં સવાર બે લોકો ગુમ છે, જેમની શોધખોળ SDRF અને 108ની ટીમ દ્વારા ચાલુ છે.

મળતી માહિતી મુજબ, કારમાં ડ્રાઈવર સહિત કુલ સાત લોકો હતા, જેમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. બધા ગુજરાતના રહેવાસી હોવાનું કહેવાય છે અને ગંગોત્રી ધામની યાત્રા માટે નીકળ્યા હતા. ચાર મૃતકો સુરતના રહેવાસી હોવાની માહિતી સામે આવી છે, જ્યારે અન્ય લોકો સુરેન્દ્રનગરના હોવાનું જાણવા મળે છે. ઘાયલ યુવકની ઓળખ વેદાંત પટેલ તરીકે થઈ છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહ નદીના પથ્થરો વચ્ચે ફસાયેલા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અકસ્માત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને સંવેદના પાઠવી છે. તેમણે ઘાયલ વ્યક્તિના શીઘ્ર સ્વાસ્થ્ય સુધારાની કામના કરી છે.

આ ઘટના ડબરાણી તરફ જઈ રહેલી કાર સાથે બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને કાર ખીણમાં પડી ગઈ. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.