ઉત્તરાખંડ સરકારની ભાજપ કેબિનેટમાં મંત્રી રેખા આર્યાએ તેમના પતિ ગિરધારી લાલ સાહુ વિરુદ્ધ ઘરેલુ હિંસા અને છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે ફેસબુક પર રડતાં રડતાં વીડિયો પોસ્ટ કરીને પોતાની વાત લોકો સમક્ષ મુકી છે.
વીડિયોમાં તેમણે કહ્યું કે તેમના પતિના અન્ય મહિલાઓ સાથે સંબંધો છે. વિરોધ કરવા પર તેમની સાથે મારપીટ અને ગાળાગાળી કરવામાં આવી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. તેમણે એક ઓડિયો ક્લિપ પણ પોસ્ટ કરી છે, જેમાં તેમના પતિ એક મહિલા સાથે વાત કરતાં સાંભળી શકાય છે. આ ઓડિયોના આધારે તેમણે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં તેમણે આરોપ લગાવ્યો છે કે તેમના પતિ પહેલેથી જ પરણિત હતા અને તેમને બાળકો પણ હતા. લગ્ન સમયે આ વાત છુપાવવામાં આવી હતી. જ્યારે સત્ય જાણમાં આવ્યું ત્યારે તેમને પોતાના પણ બાળકો થઈ ચૂક્યા હતા, તેથી તેઓ ચૂપ રહ્યાં. હવે તેમને પોતાના અને સગીર બાળકોના જીવનું જોખમ છે, એમ ફરિયાદમાં દર્શાવવામાં આવ્યું છે.
રેખા આર્યાએ કહ્યું કે, "આજે હું એક ઓડિયો લઈને આવી છું. આ ઓડિયોએ મને હચમચાવી દીધી છે. મારા વૈવાહિક જીવન પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે. પ્રામાણિકતા સાથે રહેવાના બદલામાં આવું પરિણામ મળે છે શું? આ ઓડિયો સાંભળીને આજે મને હૃદયરોગના હુમલા જેવી પીડા સાથે આ નિર્ણય લેવો પડ્યો છે, પોલીસમાં ફરિયાદ આપવી પડી છે, મારા બાળકોની રક્ષા-સુરક્ષા માટે. આ વિડિયો પણ હું એટલા માટે બનાવી રહી છું, કારણ કે મહિલા સામાન્ય હોય કે ખાસ, ઘરેલુ અત્યાચાર સહન કરવાનો નથી, પરંતુ તેને કહેવાનો છે. બાકી તમે ઓડિયો સાંભળશો તો આપોઆપ તમામ પ્રશ્નોના જવાબ મળી જશે. હું સંવિધાનને સાક્ષી માનીને મારી ફરજોનું વહન કરતી આવી છું, કરું છું અને કરતી રહીશ. મારા દેવે મને અહીં સુધી પહોંચાડી છે. મને પૂરો ભરોસો છે કે આ ક્ષણે પણ તેઓ મારી સાથે હશે. હું આ પીડામાં પણ છું, પરંતુ મારી ફરજ ભૂલી નથી."
આ મામલે રેખા આર્યાની તબિયત લથડી છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોની ટીમ તેમની તપાસ કરી રહી છે. હોસ્પિટલમાં દાખલ થવા સમયે તેમનું બ્લડ પ્રેશર ખૂબ ઊંચું હતું અને છાતીમાં ડાબી બાજુ દુખાવો થઈ રહ્યો હતો. ડોક્ટરોએ જણાવ્યું કે હાલ તેમની સ્થિતિ સ્થિર છે, પરંતુ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. હાર્ટ સ્પેશિયાલિસ્ટ પણ તેમની તપાસ કરી રહ્યા છે.