ઓસ્ટ્રેલિયાના પૂર્વ ટેસ્ટ ઓપનર ઉસ્માન ખ્વાજાએ તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન રુમેટોઇડ આર્થરાઇટિસ નામની ઓટોઇમ્યુન બીમારી છુપાવી હોવાનો ખુલાસો કર્યો છે. 22 વર્ષની ઉંમરે તેમને આ બીમારીનું નિદાન થયું હતું, ત્યારે તેઓ ન્યૂ સાઉથ વેલ્સ તરફથી વ્યાવસાયિક ક્રિકેટમાં સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ બીમારીને કારણે તેમના ડાબા ઘૂંટણમાં ભારે દુખાવો થતો હતો. તેમને એવું લાગ્યું હતું કે તેઓ ફરી ક્યારેય ક્રિકેટ રમી શકશે નહીં. જોકે, દવા અને નિયમિત ઇન્જેક્શનની મદદથી તેઓ લગભગ છ મહિના બાદ મેદાન પર પરત ફર્યા.
ખ્વાજાએ જાન્યુઆરી 2026માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડ સામેની પાંચમી એશિઝ ટેસ્ટ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તેમણે 88 ટેસ્ટમાં 6,229 રન અને 16 સદી ફટકારી છે.
પોતાના અનુભવ વિશે ખ્વાજાએ ઓસ્ટ્રેલિયન સ્ટોરી કાર્યક્રમમાં જણાવ્યું કે તેમને ખરેખર એવું લાગ્યું હતું કે તેઓ મરી જશે. તેમણે કહ્યું, ‘હું બાથરૂમ સુધી 10 મીટર પણ ચાલી શકતો નહોતો.’ તેમની ઇચ્છા છે કે તેમની વાર્તા ઓટોઇમ્યુન બીમારીઓ સામે ઝઝૂમી રહેલા લોકોને પ્રેરણા આપે.
તેમણે વધુમાં કહ્યું, ‘જો રુમેટોઇડ આર્થરાઇટિસ સાથે કોઈ વ્યાવસાયિક ક્રિકેટર ટોચના સ્તરે રમી શકે છે, તો મને લાગે છે કે અન્ય ઘણા લોકો પણ ઘણું બધું હાંસલ કરી શકે છે.’ ખ્વાજાએ જણાવ્યું કે દવાએ તેમને બીમારી બાદ ક્રિકેટમાં વાપસી કરવામાં મદદ કરી. ‘તે દવા વિના હું ક્યારેય ફરી ક્રિકેટ રમી શક્યો ન હોત. હું સામાન્ય જીવન પણ જીવી શક્યો ન હોત,’ તેમણે કહ્યું.
ખ્વાજાને 2009ની ઑફ-સીઝનમાં આ બીમારીનું નિદાન થયું હતું. તેમણે પોતાના સાથી ખેલાડીઓથી આ વાત છુપાવી રાખી હતી. જોકે, તબીબી નિષ્ણાતો, કોચ અને ક્રિકેટ પ્રશાસકોને તેની જાણ હતી. ડ્રેસિંગ રૂમમાં તેમના સૌથી નજીકના લોકોને પણ આ બીમારી વિશે ખબર નહોતી. બાળપણના ક્રિકેટ સાથી ડેવિડ વૉર્નર અને ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સાથી માઈકલ હસી પણ તેનાથી અજાણ હતા. ડાબોડી બેટ્સમેન ખ્વાજાને ડર હતો કે વિરોધીઓ અથવા ટીકાકારો તેમની બીમારીનો ઉપયોગ તેમની વિરુદ્ધ કરી શકે છે.
ખ્વાજાએ જાન્યુઆરી 2011માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેઓ ઑસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટ રમનારા પાકિસ્તાનમાં જન્મેલા પ્રથમ ખેલાડી બન્યા. ત્યારબાદ તેમણે સંઘર્ષો અને મોટી સિદ્ધિઓથી ભરેલી કારકિર્દી બનાવી. તેમને ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાંથી ઘણી વખત બહાર કરવામાં આવ્યા, પરંતુ તેઓ વારંવાર ટીમમાં પાછા ફર્યા. તેમની સૌથી યાદગાર વાપસી 2021-22ની એશિઝ શ્રેણીમાં થઈ હતી, જ્યારે સિડની ટેસ્ટની બંને ઇનિંગ્સમાં તેમણે સદી ફટકારી હતી.