વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત 20 દેશોમાંથી આયાત થતી દુર્લભ બીમારીઓની દવાઓ પર 100% ટેરિફ લગાવવાના નિર્ણયમાંથી પીછેહઠ કરી છે. હવે આ દવાઓ અને તેના સંબંધિત ઘટકો પર શૂન્ય ટેરિફ લાગુ પડશે. આ નિર્ણય અમેરિકામાં દવા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને વેપાર સમજૂતી ધરાવતા દેશોને રાહત આપવા માટે લેવાયો છે.
અમેરિકન કોમર્સ વિભાગ 29 સપ્ટેમ્બરથી કેટલીક પેટન્ટ પ્રાપ્ત દવાઓની આયાત અને તેના સંબંધિત ઘટકો પર 100% ટેક્સ લગાવવાની તૈયારી કરી રહ્યું હતું. પ્રમુખ ટ્રમ્પે 2 એપ્રિલે પેટન્ટ પ્રાપ્ત દવાઓ, બાયોલોજિક્સ અને તેના સંબંધિત સામગ્રીની આયાત પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. જોકે, હવે ટ્રમ્પ સરકારે દુર્લભ બીમારીઓની સારવાર માટે ભારત સહિત 20 દેશોમાંથી આયાત થતી દવાઓ પર કોઈ ટેરિફ ન લગાવવાનો નિર્ણય કર્યો છે.
શૂન્ય ટેરિફ માટેના દવાના ઉત્પાદનોમાં દુર્લભ બીમારીઓની બધી જ દવાઓ, વાંઝીયાપણાની સારવાર, સેલ થેરેપી, જીન થેરેપી, એન્ટીબોડી-ડ્રગ કંજુગેટ્સ (એડીસી) અને પશુ દવાઓનો સમાવેશ થાય છે. આ દવાઓમાં ઉપયોગ થતી સામગ્રી પણ શૂન્ય ટેરિફના દાયરામાં આવશે. નોટિસમાં કહેવાયું છે કે આ દેશોમાંથી આવતા પાત્ર ઉત્પાદનોને શૂન્ય ટેરિફનો લાભ મળી શકે છે, કારણ કે અમેરિકા સાથે તેમનો વેપાર અને સુરક્ષા સમજૂતી છે અથવા આગામી દિવસોમાં આ સમજૂતી થવાની છે.
દરમિયાન, અમેરિકા અને કેનેડા વચ્ચેના સંબંધો બગડતા અમેરિકાએ મંગળવારે કેનેડાથી આયાત થતા આલ્કોહોલ, ડેરી ઉત્પાદનો અને મોટરસાઇકલ સહિત 1 બિલિયન યુએસ ડોલરના સામાન પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. ઉત્તર અમેરિકાના આ બંને પડોશી દેશો વચ્ચે વાર્ષિક 880 બિલિયન ડોલરનો દ્વિપક્ષીય વેપાર થાય છે, ત્યારે આ ટેરિફ નગણ્ય બાબત સમાન છે, પરંતુ ટ્રમ્પ સરકારનું આ પગલું બંને દેશો વચ્ચે કથળતા સંબંધોના સંકેત આપે છે.
ટ્રમ્પ સરકારે કેનેડાના આલ્કોહોલ બેવરેજીસ, ડેરી ઉત્પાદનો અને મોટરસાઇકલ્સ પર પ્રતિબંધ એવા સમયે મૂક્યો છે જ્યારે ગયા મહિને ટ્રમ્પે કેનેડાથી આવતા લગભગ પાંચ ટકા ઉત્પાદનો પર 50 ટકા ઈમ્પોર્ટ ટેરિફ લગાવ્યા હતા. તેના જવાબમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અમેરિકન વસ્તુઓ પર ડોલરના બદલે ડોલરની નીતિ હેઠળ જવાબી ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી.