યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) એ ઇમિગ્રન્ટ્સ માટેના વર્ક પરમિટ નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે વર્ક પરમિટ રિન્યુઅલ માટે અરજી પેન્ડિંગ હોય તો પણ, પરમિટની મુદત પૂરી થતાં જ કામ કરવાનો અધિકાર સમાપ્ત થઈ જશે. અગાઉ આવી સ્થિતિમાં ઇમિગ્રન્ટ્સને વધારાના 540 દિવસ સુધી કામ ચાલુ રાખવાની છૂટ મળતી હતી, જે હવે કાયમ માટે નાબૂદ કરવામાં આવી છે.
આ નવો નિયમ 14 ઓક્ટોબરે ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થતાં જ અમલમાં આવી ગયો છે. તેની સીધી અસર શરણાર્થીઓ (Asylum seekers) અને H-1B વિઝા ધારકોના જીવનસાથીઓ (H-4 વિઝા ધારકો) સહિત અનેક ઇમિગ્રન્ટ્સ પર પડશે, જેઓ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ્સ (EADs) પર નિર્ભર છે.
નવા નિયમમાં શું બદલાયું?
ઓટોમેટિક એક્સટેન્શન બંધ: વર્ક પરમિટ રિન્યુઅલ માટે અરજી પેન્ડિંગ હોય તે દરમિયાન મળતું ઓટોમેટિક એક્સટેન્શન હવે નાબૂદ કરવામાં આવ્યું છે. એટલે કે, પરમિટની મુદત પૂરી થતાં જ કામદારનો કામ કરવાનો અધિકાર (Work Authorization) પણ સમાપ્ત થઈ જશે, ભલે તેનું રિન્યુઅલ પેન્ડિંગ કેમ ન હોય.
અરજી કરવાની મર્યાદા: વિદેશી કામદારો તેમની વર્ક પરમિટ એક્સપાયર થવાના 180 દિવસ અગાઉથી રિન્યુઅલ માટે અરજી કરી શકશે નહીં.
આ નીતિ શા માટે બનાવવામાં આવી?
અગાઉ આ 540 દિવસની એક્સટેન્શન વિન્ડો એટલા માટે દાખલ કરવામાં આવી હતી કે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)માં પ્રોસેસિંગમાં થતા વિલંબના કારણે કોઈપણ ઇમિગ્રન્ટ કામદારને નોકરીમાંથી હાથ ધોવા ન પડે. જો કે, વર્તમાન વહીવટીતંત્ર હેઠળ એજન્સીએ ઇમિગ્રન્ટ્સ માટે વર્ક પરમિટ મેળવવામાં અથવા રિન્યુ કરવામાં અનેક નવા નિયમો અને અવરોધો ઊભા કર્યા છે.
કોના પર થશે અસર?
આ નીતિની સીધી અસર એવા અનેક ઇમિગ્રન્ટ્સ પર પડશે જેઓ EADs પર નિર્ભર છે; જેમાં શરણાર્થીઓ અને H-1B વિઝા ધારકોના જીવનસાથી (H-4 વિઝા ધારકો) સામેલ છે. DHSનું માનવું છે કે ટૂંકા એક્સટેન્શન સમયગાળાથી અરજદારોની પાત્રતા અને સુરક્ષા બાબતોની વધુ નિયમિત અને ઝીણવટભરી ચકાસણી (Vetting) થઈ શકશે.
બીજી બાજુ, આ ફેરફાર છતાં USCIS હજુ પણ મોટા પ્રમાણમાં પેન્ડિંગ અરજીઓનો સામનો કરી રહ્યું છે. એજન્સીના ડેટા મુજબ, 30 જૂન સુધીમાં 4,32,000થી વધુ વર્ક પરમિટ રિન્યુઅલ અરજીઓ છ મહિના કે તેથી વધુ સમયથી પેન્ડિંગ હતી, જ્યારે 91,000થી વધુ અરજીઓ તો 18 મહિનાથી પણ વધુ સમયથી મંજૂર થવાની રાહ જોઈ રહી છે.
કાનૂની વિવાદો અને ભવિષ્યની સ્થિતિ
આ નીતિ સામે અગાઉથી જ કાનૂની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. જાન્યુઆરી મહિનામાં H-4 વિઝા ધારકોના એક જૂથે DHS વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં દલીલ કરવામાં આવી હતી કે ઓટોમેટિક એક્સટેન્શનનો સમય ઘટાડવાનો નિર્ણય એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર એક્ટનું ઉલ્લંઘન કરે છે. ગયા મહિને કેલિફોર્નિયાની એક ફેડરલ કોર્ટે અરજદારો સામે આ વચગાળાના નિયમની અમલવારી પર પ્રતિબંધ મૂકતો મર્યાદિત આદેશ જાહેર કર્યો હતો, કારણ કે કોર્ટે નોંધ્યું હતું કે એજન્સીએ યોગ્ય પ્રક્રિયા અનુસરી ન હતી.