વૉશિંગ્ટન: અમેરિકાની અદાલતે એક ચુકાદામાં કહ્યું છે કે દેશમાં પ્રવેશતા લોકોના લેપટોપ, મોબાઈલ જેવા ડિવાઈસની તપાસ માટે સરહદ સુરક્ષા અધિકારીઓને વોરન્ટની જરૂર નથી. કોર્ટે આ તપાસને પ્રાઈવસીના બંધારણીય અધિકાર હેઠળ ગણવાની ના પાડી છે. કોર્ટના મતે આ સીમા સુરક્ષાનો ભાગ છે, તેથી તેના માટે અલગ પરવાનગી જરૂરી નથી.
આ ચુકાદો ચિનવેન્દુ એલિસિગ્વે નામના એક વ્યક્તિના કેસની સુનાવણી બાદ આવ્યો છે. અમેરિકન અધિકારીઓએ એરપોર્ટ પર તેમના મોબાઈલ અને લેપટોપની તલાશી લીધી હતી. તેમાંથી મળેલા પુરાવાના આધારે તેમના પર મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે. એલિસિગ્વેએ અદાલતમાં દલીલ કરી હતી કે વોરન્ટ વગર તેમના પર્સનલ ડિવાઈસની તલાશી તેમના પ્રાઈવસીના અધિકારનો ભંગ છે અને મોબાઈલ ફોનને ખાસ બંધારણીય સંરક્ષણ મળવું જોઈએ.
કોર્ટે તેમની દલીલ સ્વીકારી નથી. કોર્ટે કહ્યું કે સરહદ પર વોરન્ટ વગર લેપટોપ કે મોબાઈલની તલાશી લઈ શકાય છે. આ રૂટિન તપાસ ગણાય, જે પ્રાઈવસીના બંધારણીય અધિકાર હેઠળ આવતી નથી. અમેરિકામાં સામાન્ય પોલીસ તપાસ માટે વોરન્ટ જરૂરી હોય છે, પરંતુ સરહદ સુરક્ષા અધિકારીઓને આ માટે અલગ અધિકાર છે.
આ નિર્ણયથી અમેરિકન એરપોર્ટ પર વિદેશી નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને વધુ મુશ્કેલી પડી શકે છે. તેમના ડિવાઈસની તપાસ વધુ થાય તેવી ભીતિ છે.
અલગથી, અમેરિકાના શ્રમ-રોજગાર વિભાગના વડા એન્ટની ડિસ્પોસિટોએ એક નિવેદનમાં કહ્યું છે કે વિઝા મેળવીને આવતા વિદેશી નાગરિકોને અમેરિકન કામદારો સાથે છેતરપિંડી કરવાનો કે તેમની નોકરી છીનવી લેવાનો અધિકાર મળતો નથી. તેમણે જુદી કેટેગરીના વિઝા મેળવીને પાર્ટટાઈમ નોકરી કરતા વિદેશી નાગરિકો સામે કાર્યવાહીની માંગણી કરી છે અને કહ્યું કે ફેક જોબ કરતાં વિદેશી નાગરિકો સામે આકરા પગલાં લેવા જોઈએ.