સત્ય. સાહસ. સંકલ્પ.

મોદી-ઈરાની પ્રમુખની SCO બેઠક બાદ અમેરિકાની ચેતવણી: પ્રતિબંધોની ધમકી

મોદી-ઈરાની પ્રમુખની SCO બેઠક બાદ અમેરિકાની ચેતવણી: પ્રતિબંધોની ધમકી

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ઈરાન સાથે વેપાર કરનારા દેશોને કડક પ્રતિબંધોની ખુલ્લી ચેતવણી આપી છે. આ નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલી SCO સમિટ દરમિયાન થયેલી બેઠક બાદ આવ્યું છે.

રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાનને અમેરિકન પ્રતિબંધોથી બચાવવાનો પ્રયાસ કરનાર કે તેની સાથે વેપાર કરનાર કોઈ પણ દેશ પર ટ્રમ્પ પ્રશાસન કડક પ્રતિબંધો લગાવવામાં ખચકાશે નહીં. તેમણે ઉમેર્યું કે કોઈ દેશે ઈરાનને એવી કમાણી કરવામાં મદદ ન કરવી જોઈએ જેનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવા કે પરમાણુ હથિયારો બનાવવા માટે થઈ શકે.

SCO સમિટ દરમિયાન મોદી અને પેઝેશ્કિયાન વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અને ક્ષેત્રમાં વધી રહેલા વિવાદ અંગે ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદીએ ભારતનું વલણ પુનરાવર્તિત કરતાં કહ્યું કે તમામ વિવાદોનો ઉકેલ યુદ્ધના બદલે વાટાઘાટો અને કૂટનીતિ દ્વારા જ લાવવો જોઈએ. તેમણે દરિયાઈ વાહતુક અને મુક્ત વેપારની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો અને નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી.

ઈરાનના પ્રમુખ પેઝેશ્કિયાને તાજેતરના સંઘર્ષ દરમિયાન ભારતે આપેલા સહયોગની પ્રશંસા કરી અને ક્ષેત્રમાં શાંતિ માટે ભારત કૂટનીતિક ક્ષમતાઓનો ઉપયોગ કરે તેવી વિનંતી કરી. તેમણે અમેરિકા પર આક્ષેપ લગાવતાં કહ્યું કે કૂટનીતિનો માર્ગ અપનાવવાના બદલે અમેરિકાએ યુદ્ધ અને અશાંતિનો રસ્તો પસંદ કર્યો છે.