સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પહેલા ભારત પર ટેરિફ બોમ્બ? અમેરિકાના નવા કાયદાના સેક્શન 113માં શું છે

દિવાળી પહેલા ભારત પર ટેરિફ બોમ્બ? અમેરિકાના નવા કાયદાના સેક્શન 113માં શું છે

અમેરિકામાં રશિયા અને ઈરાન પર કડક પ્રતિબંધો લાદતો નવો કાયદો અમલમાં આવ્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 'લિન્ડસે ઓ. ગ્રેહામ રશિયા અને ઈરાન પર પ્રતિબંધ સંબંધી કાયદો, 2026' પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદાથી ટ્રમ્પને રશિયા પાસેથી કાચું તેલ કે ગેસ ખરીદતા દેશો પર 100% સુધીનો વધારાનો આયાત વેરો (ટેરિફ) લાદવાનો અધિકાર મળ્યો છે. દુનિયામાં રશિયા પાસેથી તેલ ખરીદતા ટોપ 5 દેશોમાં ભારત અને ચીન આગળ છે. એટલે ટ્રમ્પના આ આર્થિક હથિયારની અસર ભારત અને ચીન પર પડી શકે છે. હવે સવાલ એ છે કે ભારત પર આ ટેરિફ ક્યારે અને કેટલો લાગશે, અને ટ્રમ્પે કેટલા દિવસમાં આ અંગે આખરી નિર્ણય લેવો પડશે.

કાયદાની જોગવાઈ મુજબ, આ કાયદો થયાના 30 દિવસની અંદર ટ્રમ્પે પોતાની કાર્યવાહી નક્કી કરવી પડશે. ઉપરાંત, ટેરિફ લાદતા પહેલા ઓછામાં ઓછા 10 દિવસ અગાઉ અમેરિકી કોંગ્રેસને લેખિત જાણકારી આપવી ફરજિયાત છે. આ સમયમર્યાદા જોતા, દિવાળી પહેલા એટલે કે ઓક્ટોબર 2026ના મધ્ય સુધીમાં ભારત સામે ટેરિફ અંગેનો કડક નિર્ણય આવી શકે છે.

નવા અમેરિકી કાયદાનો સેક્શન 113 સૌથી મહત્વનો ભાગ છે, જેમાં કડક શરતો રખાઈ છે. રશિયા પાસેથી કાચું તેલ કે ગેસ ખરીદતા દુનિયાના ટોપ 5 દેશો આ કાયદાના દાયરામાં આવે છે. કાયદો અમલમાં આવ્યાના 30 દિવસ પછી પણ જો આ દેશો રશિયા પાસેથી તેલની નવી ખરીદી ચાલુ રાખે, તો તેમના પર કાર્યવાહી થઈ શકે છે. 100% એ મહત્તમ મર્યાદા છે; રાષ્ટ્રપતિ 0%થી 100% વચ્ચે ગમે તેટલો ટેરિફ દર નક્કી કરી શકે છે. 100% ટેરિફ આપોઆપ લાગુ થતો નથી, તે રાષ્ટ્રપતિના નિર્ણય પર આધાર રાખે છે. આ નવો ચાર્જ હાલમાં લાગુ અન્ય તમામ અમેરિકી ટેરિફ ઉપરાંતનો (Additional Duty) રહેશે. ગેસની આયાત માટે અમુક કિસ્સામાં મર્યાદિત અપવાદ છે, પણ કાચા તેલની ખરીદી માટે કોઈ છૂટછાટ નથી.

ભારતે પોતાનું વલણ પહેલેથી સ્પષ્ટ કરી દીધું છે. ભારત સરકાર પોતાની ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતો સાથે કોઈ બાંધછોડ નહીં કરે. જો રશિયન કાચું તેલ આંતરરાષ્ટ્રીય બજાર કરતા સસ્તું મળશે, તો ભારત દેશના હિતમાં તેની આયાત ચાલુ જ રાખશે.