અમેરિકા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસ ખરીદતા દેશો પર 100 ટકા સુધીનો ટેરિફ લાદવાની તૈયારીમાં છે. આ પગલાને કારણે ભારત અને ચીન જેવા રશિયાના મોટા ઊર્જા ખરીદનારા દેશો પણ પ્રભાવિત થશે. અમેરિકન પ્રતિનિધિ સભાએ તાજેતરમાં ‘લિંડસે ઓ. ગ્રાહમ રશિયા અને ઈરાન પર પ્રતિબંધ લગાવતો અધિનિયમ 2026’ મંજૂર કર્યો છે, જે હેઠળ ડોનાલ્ડ ટ્રમ્પને આ કડક પગલાં લેવાની સત્તા મળશે.
એક તરફ અમેરિકા રશિયાના ઓઇલ પર આર્થિક દબાણ વધારી રહ્યું છે, તો બીજી તરફ તેણે પોતાની પરમાણુ જરૂરિયાતો માટે રશિયાથી ખાસ પ્રકારના યુરેનિયમની આયાતનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. નવા કાયદામાં એવી જોગવાઈઓ છે કે જેના કારણે રશિયા સાથેના નાગરિક પરમાણુ સહયોગ અને ચોક્કસ પ્રકારના યુરેનિયમની આયાત પર આ પ્રતિબંધો લાગુ નહીં પડે.
આ કાયદાના ‘સેક્શન 111’ અને ‘સેક્શન 114’ હેઠળ બે મહત્વપૂર્ણ અપવાદો રાખવામાં આવ્યા છે:
• નાગરિક પરમાણુ સહયોગ: અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ ઊર્જા અધિનિયમ હેઠળ થયેલા નાગરિક પરમાણુ સહયોગ સમજૂતીની પ્રવૃત્તિઓને આનાથી મુક્તિ આપવામાં આવી છે.
• ઓછા-સંવર્ધિત યુરેનિયમ (LEU): પરમાણુ રિએક્ટરમાં વપરાતા ખાસ ઓછા-સંવર્ધિત યુરેનિયમ અને ચિકિત્સીય (મેડિકલ) આઈસોટોપની આયાત પર પ્રતિબંધ લાગુ નહીં થાય.
અમેરિકાના આ બેવડા વલણ પાછળ તેની પોતાની પરમાણુ ઈંધણની જરૂરિયાતો જવાબદાર છે. અમેરિકાએ ભલે રશિયા પરની આર્થિક નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કર્યો હોય, પરંતુ પરમાણુ ઈંધણના મામલે સ્થિતિ અલગ છે. આંકડાકીય માહિતી મુજબ, વર્ષ 2025માં અમેરિકાના નાગરિક પરમાણુ પ્લાન્ટોએ મેળવેલી એરિચમેન્ટ સેવાઓમાં એક એકલા રશિયાનો હિસ્સો લગભગ 26 ટકા જેટલો મોટો હતો, જે દર્શાવે છે કે અમેરિકા આ ક્ષેત્રે રશિયા પર કેટલું નિર્ભર છે.