સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકી સંસદમાં રશિયા વિરુદ્ધ ટેરિફ બિલ પસાર, ટ્રમ્પને 100% ટેરિફ લગાવવાનો અધિકાર

અમેરિકી સંસદમાં રશિયા વિરુદ્ધ ટેરિફ બિલ પસાર, ટ્રમ્પને 100% ટેરિફ લગાવવાનો અધિકાર

અમેરિકાની સંસદના નીચલા ગૃહ 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ'એ રશિયા વિરુદ્ધ એક ટેરિફ બિલ પસાર કર્યું છે. આ બિલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એવા દેશો પર 100% સુધીના ટેરિફ લાદવાનો કાનૂની અધિકાર આપે છે, જે દેશો રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસની ખરીદી ચાલુ રાખે છે. આ જોગવાઈ હેઠળ ભારત અને ચીન સીધા જ રડારમાં આવ્યા છે.

ગૃહમાં આ બિલ 262 વિરુદ્ધ 159 મતોથી પસાર થયું હતું. ખાસ બાબત એ રહી કે યુક્રેન યુદ્ધ સંદર્ભે રશિયા પર આર્થિક દબાણ વધારવાના હેતુથી ડઝનબંધ ડેમોક્રેટ સાંસદોએ પણ રિપબ્લિકન પાર્ટી સાથે મળીને આ બિલના સમર્થનમાં મતદાન કર્યું હતું. રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર પૂર્ણ સ્તરે આક્રમણ કર્યું હતું, જે બીજા વિશ્વયુદ્ધ પછીનો યુરોપનો સૌથી ઘાતક સંઘર્ષ બની રહ્યો છે અને આજે પણ ચાલી રહ્યો છે.

આ બિલને 'ધ લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026' નામ આપવામાં આવ્યું છે. અગાઉ ગત મહિને યુએસ સેનેટમાં 86-11ના ભારે બહુમતી મતથી તે મંજૂર થઈ ચૂક્યું હતું. હવે તે અંતિમ મંજૂરી માટે વ્હાઇટ હાઉસ મોકલવામાં આવ્યું છે, જ્યાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેના પર હસ્તાક્ષર કરીને કાયદાનું સ્વરૂપ આપશે તેવી પૂરી શક્યતા છે.

ભારતના પરિપ્રેક્ષ્યમાં આ બિલની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તેનાથી ડોનાલ્ડ ટ્રમ્પને રશિયન ઉર્જા ખરીદનારા મોટા દેશો સામે 'સેકન્ડરી ટેરિફ' લાદવાની અસાધારણ સત્તા મળે છે.

100% સુધી ટેરિફની જોગવાઈ: રશિયા પાસેથી તેલ-ગેસ ખરીદતા દેશો પર અમેરિકા 100% સુધી ટેરિફ લગાવી શકે છે. ગૃહમાં થયેલી ચર્ચા દરમિયાન ભારત અને ચીનને ખાસ કરીને મુખ્ય ખરીદદાર દેશો તરીકે દર્શાવવામાં આવ્યા હતા.

ઓટોમેટિક ટેરિફ નહીં: આ બિલ પસાર થવાથી ભારત પર આપોઆપ 100% ટેરિફ લાગુ થઈ જતો નથી. આ કાયદો અમેરિકાના પ્રેસિડેન્ટને નિર્ણય લેવાની મુનસફી અને કાનૂની અધિકાર આપે છે.

દબાણની નીતિ: બિલના સમર્થકોની દલીલ છે કે ઊંચા ટેરિફનો ડર બતાવીને ભારત અને ચીન જેવા દેશોને રશિયા પાસેથી ઉર્જા ખરીદી બંધ કરવા અથવા ઘટાડવા મજબૂર કરી શકાશે, જેથી વ્લાદિમીર પુતિન પર આર્થિક સંકટ વધારી શકાય.