અમેરિકાએ પ્રથમ વખત જાહેરમાં સ્વીકાર્યું છે કે તેણે પૃથ્વીની ભ્રમણકક્ષામાં 'સ્પેસ કંટ્રોલ વેપન્સ' એટલે કે અવકાશમાંથી નિયંત્રણ કરી શકાય તેવા શસ્ત્રો તૈનાત કર્યા છે. આ ખુલાસા બાદ અમેરિકા, રશિયા અને ચીન વચ્ચે અવકાશમાં ચાલી રહેલી લશ્કરી સ્પર્ધા અંગેની ચિંતાઓ વધી છે. જોકે, આ શસ્ત્રો કયા પ્રકારના છે, તેમની સંખ્યા કેટલી છે અને તેમને ક્યારે તૈનાત કરવામાં આવ્યા, તે અંગે અમેરિકાએ કોઈ વિગતો આપી નથી.
યુએસ એરફોર્સના સેક્રેટરી ટ્રોય મેઈન્કે જણાવ્યું કે દુશ્મન દેશોના સંભવિત હુમલાઓથી અમેરિકાની અવકાશ સંપત્તિઓ અને લશ્કરી દળોને બચાવવા માટે 'ઓન-ઓર્બિટ સ્પેસ કંટ્રોલ વેપન્સ' જરૂરી છે. તેમનું આ નિવેદન 'એર, સ્પેસ એન્ડ સાયબર કોન્ફરન્સ' દરમિયાન આવ્યું, જ્યાં તેમણે કહ્યું કે અમેરિકા ઝડપથી બદલાતા અને નવા ઉભરતા જોખમોનો સામનો કરવા તૈયાર છે.
ટ્રોય મેઈન્કેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા લાંબા સમયથી રશિયા અને ચીનની વધતી અવકાશી લશ્કરી ક્ષમતાઓ અંગે ચિંતા વ્યક્ત કરતું રહ્યું છે. અમેરિકાના જણાવ્યા અનુસાર, બંને દેશો અવકાશમાં પોતાની સૈન્ય ક્ષમતાઓ ઝડપથી વિકસાવી રહ્યા છે અને બીજા દેશોના ઉપગ્રહો તથા અવકાશ આધારિત સિસ્ટમોને પ્રભાવિત કરી શકે તેવી ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે.
ભવિષ્યના યુદ્ધમાં અવકાશ કેમ મહત્વનું?
આધુનિક યુદ્ધમાં અવકાશની ભૂમિકા સતત વધી રહી છે. GPS, લશ્કરી સંચાર, દેખરેખ, ગુપ્ત માહિતી એકત્ર કરવી અને ચોક્કસ લક્ષ્ય નિર્ધારણ જેવી અનેક મહત્વની સેવાઓ ઉપગ્રહો પર આધારિત છે. તેથી કોઈ દેશની અવકાશ આધારિત સિસ્ટમને નુકસાન થાય તો તેની અસર તેની લશ્કરી ક્ષમતા ઉપરાંત સંચાર અને બીજી મહત્વની સેવાઓ પર પણ પડી શકે છે.
અમેરિકાનું માનવું છે કે ભવિષ્યના કોઈપણ મોટા સંઘર્ષમાં અવકાશ પર નિયંત્રણ રાખવું વ્યૂહાત્મક ફાયદો આપી શકે છે. હવે અવકાશને સંભવિત યુદ્ધક્ષેત્ર તરીકે જોવામાં આવી રહ્યું હોવાથી વોશિંગ્ટન પોતાની સ્પેસ ડિફેન્સ ક્ષમતાઓ વધુ મજબૂત કરી રહ્યું છે.
યુએસ સ્પેસ ફોર્સ શું કરે છે?
અમેરિકાએ વર્ષ 2019માં યુએસ સ્પેસ ફોર્સની સ્થાપના કરી હતી. તેનો મુખ્ય હેતુ અવકાશમાં અમેરિકાની મહત્વની સંપત્તિઓનું રક્ષણ કરવાનો છે. તેમાં લશ્કરી સંચાર, દેખરેખ, નેવિગેશન અને બીજી લશ્કરી કામગીરી માટે વપરાતા ઉપગ્રહોનો સમાવેશ થાય છે. યુએસ સ્પેસ ફોર્સના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, જરૂર પડે તો આ અવકાશ આધારિત ક્ષમતાઓનો ઉપયોગ રક્ષણાત્મક તેમજ આક્રમક બંને હેતુઓ માટે થઈ શકે છે.
યુએસ સ્પેસ ફોર્સ 'સ્પેસ કંટ્રોલ'ને એવી ક્ષમતા તરીકે જુએ છે જેના દ્વારા અવકાશમાં પોતાના હિતો અને સંપત્તિઓનું રક્ષણ કરી શકાય તેમજ વિરોધી દેશોની અવકાશ આધારિત ક્ષમતાઓ સામે કાર્યવાહી કરી શકાય. તેમાં વિરોધી સિસ્ટમોને પ્રભાવિત કરવી, વિક્ષેપિત કરવી, તેમની ક્ષમતા ઘટાડવી અથવા અત્યંત જરૂરી સ્થિતિમાં તેનો નાશ કરવાનો સમાવેશ થઈ શકે છે.
કયા પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ થઈ શકે?
અમેરિકાએ ભ્રમણકક્ષામાં તૈનાત કરવામાં આવેલા શસ્ત્રોની ચોક્કસ પ્રકૃતિ અંગે કોઈ સત્તાવાર વિગતો આપી નથી. જોકે, અવકાશ આધારિત લશ્કરી ટેક્નોલોજીમાં સાયબર ક્ષમતાઓ, લેસર સિસ્ટમ્સ અને એવા ઉપગ્રહોનો સમાવેશ થઈ શકે છે જે બીજા ઉપગ્રહોની કામગીરીમાં દખલ કરી શકે અથવા તેમને નુકસાન પહોંચાડી શકે.
આ કારણે અવકાશ હવે માત્ર વૈજ્ઞાનિક સંશોધન અને ઉપગ્રહોના પ્રક્ષેપણ પૂરતું મર્યાદિત ક્ષેત્ર રહ્યું નથી. અમેરિકા, રશિયા અને ચીન ત્રણેય દેશો પોતાની અવકાશ આધારિત લશ્કરી ક્ષમતાઓ વિકસાવી રહ્યા છે, જેના કારણે ભવિષ્યમાં અવકાશમાં શક્તિનું સંતુલન વધુ મહત્વનું બની શકે છે.