સત્ય. સાહસ. સંકલ્પ.

ઈરાન સાથે ઓઈલ વેપાર બદલ અમેરિકાએ મુંબઈની 2 કંપની અને 5 ભારતીયો પર પ્રતિબંધ મૂક્યો

ઈરાન સાથે ઓઈલ વેપાર બદલ અમેરિકાએ મુંબઈની 2 કંપની અને 5 ભારતીયો પર પ્રતિબંધ મૂક્યો

અમેરિકાએ ઈરાન સાથે ગેરકાયદેસર પેટ્રોલિયમ વેપાર કરવા બદલ મુંબઈ સ્થિત બે કંપનીઓ – SSPL સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ અને સમુદ્ર મરીન સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ – તથા પાંચ ભારતીય નાગરિકો પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. અમેરિકી વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કંપનીઓએ પ્રતિબંધો હોવા છતાં ઈરાનથી પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાતમાં મદદ કરીને ઈરાની તંત્ર સુધી લાખો ડોલર પહોંચાડ્યા હતા.

SSPL સોલ્યુશન્સ સાથે જોડાયેલા ધ્વનિ વોરા અને નિસર્ગ વોરા, તેમજ સમુદ્ર મરીન સર્વિસીસ સાથે સંકળાયેલા કેતન કોચિકર, ભૂપેન્દ્રસિંહ સાહૂ અને હરિશ્યામ હરિહરન ચુંડાકટ્ટિલ પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે. આ તમામનાં નાણાકીય વ્યવહારો પર તાત્કાલિક અસરથી રોક લાગુ કરવામાં આવી છે. જોકે, સમુદ્ર મરીન સર્વિસીસને ચાલુ વ્યવહારો પૂરા કરવા માટે 23 ઓક્ટોબર સુધીનો મર્યાદિત સમય આપવામાં આવ્યો છે.

અમેરિકાના નાણા મંત્રાલયે ઈરાની ક્રૂડ ઓઈલ, એલપીજી, મેથેનોલ અને નેપ્થા જેવા ઉત્પાદનોની હેરફેર કરતા 17 આંતરરાષ્ટ્રીય જહાજો (ટેંકરો) પર પણ પ્રતિબંધ લાદ્યો છે. આ ટેંકરો દક્ષિણ અને પૂર્વ એશિયાના બજારોમાં માલ પહોંચાડતા હતા. આ ઉપરાંત, ઈરાની પેટ્રોકેમિકલ્સ ખરીદવા બદલ તુર્કિયેની 'નૂરઝાદ પેટ્રોકેમ્યા' અને યુએઈની 'અરેબિયનપ્રો મટિરિયલ્સ' સહિત અન્ય બે શિપ મેનેજમેન્ટ કંપનીઓ પર પણ અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે આ ઝુંબેશને 'ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ' નામ આપ્યું છે. અમેરિકાનો દાવો છે કે ઈરાન પ્રતિબંધિત ઓઈલ વેચીને મળતા કરોડો ડોલરનો ઉપયોગ પશ્ચિમ એશિયામાં પોતાના લશ્કરી ઓપરેશનો અને આતંકી સંગઠનોને ભંડોળ આપવા માટે કરે છે. આથી ઈરાનની ઓઈલ કમાણી પર સંપૂર્ણ બ્રેક મારી તેની આર્થિક અને લશ્કરી તાકાત તોડી પાડવા અમેરિકાએ આ મોરચો ખોલ્યો છે.