અમેરિકાની સંસદના બંને ગૃહોએ લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્કશનિંગ એક્ટ 2026 નામનું બિલ બહુમતથી પસાર કર્યું છે. ઓગસ્ટમાં અમેરિકન સેનેટમાં 86–11થી અને ગઈકાલે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં 262–159થી બિલ પસાર થયું. રિપબ્લિકન અને ડેમોક્રેટિક, બંને પક્ષોએ ભારત સામે કડક વલણ અપનાવ્યું છે.
આ બિલ હવે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેબલ પર જશે. તેમની સહી બાદ તે કાયદો બની જશે. સાદી રીતે સમજીએ તો, જે દેશ રશિયા પાસેથી તેલ ખરીદશે તેના ઉત્પાદનો પર અમેરિકા 100 ટકા સુધીનો ટેરિફ લગાવી શકશે. અમેરિકા હાલ ભારત પર 10 ટકા ટેરિફ લગાવે છે. નવો 100 ટકા ટેરિફ ઉમેરાય તો કુલ 110 ટકા થશે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો દર ગણાશે.
આ બિલ સામે ભારતના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. મંત્રાલયે કહ્યું છે કે, "ભારત અમેરિકાના કાયદાની આગળની કાર્યવાહી પર નજર રાખી રહ્યું છે. ભારતની 1.4 અબજ લોકોની ઊર્જા સુરક્ષા સર્વોચ્ચ છે અને તે માટે વિવિધ દેશોમાંથી તેલની ખરીદી ચાલુ રહેશે. ભારત પોતાના વેપાર અને આર્થિક હિતોના રક્ષણ માટે જરૂરી પગલાં લેશે."
આ ટેરિફની સીધી અસર ભારતના નિકાસકારો પર પડશે. અમેરિકા મોકલવામાં આવતા ઉત્પાદનો ત્યાં મોંઘા થશે, જેથી ગ્રાહકો સસ્તા વિકલ્પો તરફ વળશે અને ભારતીય માલની માંગ ઘટી શકે છે. આનાથી નિકાસકારો અને વેપારીઓને મોટું નુકસાન થઈ શકે છે. ગુજરાતની વાત કરીએ તો હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ક્ષેત્રને આંચકો લાગી શકે છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 100 ડોલરની સપાટી વટાવી ગયો છે. આજે એક બેરલની કિંમત 105 ડોલર આસપાસ ફરી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને અમેરિકા-ઈરાન તણાવને કારણે વૈશ્વિક ઓઈલ સપ્લાય માર્ગોને નુકસાન થયું છે. આ સ્થિતિમાં ટેરિફનો ઝટકો ભારતની અર્થવ્યવસ્થા માટે ગંભીર પડી શકે છે.
ભારત પોતાની જરૂરિયાતનું 88.6 ટકા તેલ આયાત કરે છે. સસ્તું રશિયન તેલ બંધ કરીને 100 ડોલરથી ઉપરનું મોંઘું ક્રૂડ ખરીદવું પડે તો અર્થવ્યવસ્થા પર ભારે બોજો પડશે. અર્થશાસ્ત્ર મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ 1 ડોલર વધે તો ભારતનું આયાત બિલ 2 અબજ ડોલર વધી જાય છે. જો ટેરિફ લાગુ થાય તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા છે, જેની સીધી અસર આમ આદમી પર પડશે.
ટ્રમ્પની નીતિ 'અમેરિકા ફર્સ્ટ' અને 'એક હાથ સે દો, એક હાથ સે લો'વાળી રહી છે. અગાઉ પણ અમેરિકાએ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યા છે. હવે આખી રમત અમેરિકાની દાદાગીરી અને રશિયાના સસ્તા તેલ વચ્ચે ચાલી રહી છે. ભારતે ઊર્જા સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન કરવાનું સ્પષ્ટ કર્યું છે.