સત્ય. સાહસ. સંકલ્પ.

ભારત-પાકિસ્તાન સંઘર્ષ ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળ: અમેરિકાનો UN પર આરોપ

ભારત-પાકિસ્તાન સંઘર્ષ ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળ: અમેરિકાનો UN પર આરોપ

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ બુધવારે ન્યૂયોર્કમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા તૂટી ગઈ છે. તેમણે જણાવ્યું કે વિશ્વમાં મોટા સંઘર્ષોને ઉકેલવા માટે પૂરતી અસરકારક આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા નથી. રુબિયોએ ભારત-પાકિસ્તાન, થાઈલેન્ડ-કંબોડિયા અને આફ્રિકાના દેશોમાં ચાલતા સંઘર્ષોનો ઉલ્લેખ કર્યો હતો.

રુબિયોએ કહ્યું કે વૈશ્વિક તંત્ર પોતાના મૂળ ઉદ્દેશ્યથી ભટકી ગયું છે. તેમણે સ્વીકાર્યું કે જો આવા વિવાદોને ઉકેલવા માટે કોઈ સક્ષમ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા હોય તો તે ખૂબ સારું ગણાશે. અમેરિકા સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાઓની ક્ષમતાને માને છે, પરંતુ તે સંસ્થાઓ પોતાની ક્ષમતા મુજબ પરિણામ આપવામાં નિષ્ફળ રહી છે અને પોતાના અધિકારક્ષેત્રની બહારની બાબતોમાં ગૂંચવાઈ ગઈ છે.

તેમણે વધુમાં કહ્યું કે જો ભૂતકાળમાં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેના યુદ્ધને અથવા ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંભવિત સંઘર્ષને અસરકારક રીતે સંભાળી શકે એવી વ્યવસ્થા હોત તો ઘણું સારું હોત. પરંતુ હાલ એવી કોઈ સિસ્ટમ જણાતી નથી જે આ સમસ્યાઓનો ઉકેલ લાવી શકે.

રુબિયોએ સ્પષ્ટ કર્યું કે આ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પરનો હુમલો નથી. પરંતુ જ્યાં સુધી પ્રમુખ ટ્રમ્પ સત્તામાં છે ત્યાં સુધી અમેરિકા હંમેશાં પોતાના રાષ્ટ્રીય હિતમાં જ પગલાં ભરશે, નહીં કે કોઈ આંતરરાષ્ટ્રીય ઓર્ડરના હિતમાં. અમે ક્યારેય અમેરિકાના હિતોથી ઉપર વૈશ્વિક વ્યવસ્થાને નહીં મૂકીએ.

માર્કો રુબિયોનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેના એક દિવસ પહેલાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી દાવો કર્યો હતો કે તેમણે ગયા વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને થાળે પાડવામાં મદદ કરી હતી.

જોકે ભારતે હંમેશાં આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું છે. ભારતે સતત કહ્યું છે કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કે તણાવ ઘટાડવા અંગેની તમામ સમજૂતી કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી વિના, માત્ર બંને દેશોના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) વચ્ચેની સીધી વાતચીત બાદ જ શક્ય બની હતી. ભારતનું વલણ હજુ પણ મક્કમ રહેવાની અપેક્ષા છે કે મે 2025માં બંને દેશો વચ્ચે સધાયેલી સમજૂતી માત્ર ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચેના સીધા દ્વિપક્ષીય સંવાદનું પરિણામ હતી.