સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકામાં 90 વર્ષ પછી જાહેરમાં મૃત્યુદંડ: ફોર્ટ હૂડ હુમલાખોર નિદાલ હસનને ફાયરિંગ સ્ક્વોડથી સજા, લાઈવ સ્ટ્રીમિંગ પર વિવાદ

અમેરિકામાં 90 વર્ષ પછી જાહેરમાં મૃત્યુદંડ: ફોર્ટ હૂડ હુમલાખોર નિદાલ હસનને ફાયરિંગ સ્ક્વોડથી સજા, લાઈવ સ્ટ્રીમિંગ પર વિવાદ

અમેરિકા લગભગ 90 વર્ષ બાદ ફરી એકવાર જાહેરમાં મૃત્યુદંડ આપવા જઈ રહ્યું છે. પેન્ટાગોને જાહેરાત કરી છે કે 3 ડિસેમ્બર, 2026ના રોજ ફોર્ટ હૂડ હુમલાખોર નિદાલ હસનને ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે અને તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરાશે. આ નિર્ણયને લઈને અમેરિકામાં કાયદાકીય અને સામાજિક સ્તરે તીવ્ર ચર્ચા શરૂ થઈ છે.

આધુનિક યુગમાં મોટા ભાગના દેશો તેમના ન્યાય તંત્રને વધુ માનવીય બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ અમેરિકાના આ નિર્ણયે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ સાથે અમેરિકા એ દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જ્યાં આજે પણ જાહેરમાં મૃત્યુદંડ અપાય છે.

નિદાલ હસન કોણ છે અને તેનો ગુનો શું?

નિદાલ હસન પૂર્વ આર્મી મેજર અને મનોચિકિત્સક છે. 5 નવેમ્બર, 2009ના રોજ તેણે ટેક્સાસ રાજ્યના કિલીન શહેર નજીક આવેલા ફોર્ટ હૂડ લશ્કરી મથકના મેડિકલ બિલ્ડિંગમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં સૈનિકોનું નિયમિત ચેકઅપ ચાલી રહ્યું હતું. ત્યાં તેણે લેસર-સાઇટ ધરાવતી હેન્ડગનથી આડેધડ ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલામાં 13 લોકો માર્યા ગયા હતા અને 32 લોકોને ઈજા થઈ હતી.

વર્ષ 2013માં નિદાલને પૂર્વાયોજિત હત્યા માટે દોષિત ઠેરવાયો હતો. ફરિયાદીઓના જણાવ્યા અનુસાર, નિદાલ અફઘાનિસ્તાનમાં ફરજ બજાવવા માંગતો ન હતો અને જેહાદ કરીને વધુ અમેરિકન સૈનિકોને મારવા માંગતો હતો. જો કે, સંયુક્ત આતંકવાદ ટાસ્ક ફોર્સે સ્પષ્ટ કર્યું હતું કે તે કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો ન હતો અને તેણે એકલાએ જ આ કાવતરું રચ્યું હતું. કોર્ટમાં તેણે પોતાનો બચાવ કરવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો અને જ્યુરી સમક્ષ માત્ર એટલું જ કહ્યું હતું કે તે એક એવો સૈનિક છે જેણે પોતાનો પક્ષ બદલી લીધો છે.

મોતની સજાના લાઈવ સ્ટ્રીમિંગનો નિર્ણય

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 5 ઓક્ટોબરના રોજ નિદાલને ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ આપવાની મંજૂરી આપી હતી. તાજેતરમાં ટેનેસીમાં ક્રિસ્ટા પાઇક નામની ગુનેગારને ઘાતક ઇન્જેક્શન દ્વારા ફાંસી આપવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો, જેના કારણે ગવર્નરે અન્ય સજા રોકવી પડી હતી. આ ઘટનાના થોડા જ દિવસો બાદ રાષ્ટ્રપતિએ ફાયરિંગ સ્ક્વોડની મંજૂરી આપી છે.

અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે મીડિયા સાથેની મુલાકાતમાં અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં સ્પષ્ટ કર્યું છે કે નિદાલ હસનની સજા એક જાહેર ઘટના હશે. નિદાલને 3 ડિસેમ્બર, 2026ના રોજ બપોરે 1 વાગ્યે (સેન્ટ્રલ સ્ટાન્ડર્ડ ટાઈમ) ફોર્ટ હૂડમાં સજા અપાશે. બરાબર આ જ સમયે નિદાલે 2009માં ગોળીબાર શરૂ કર્યો હતો. હેગસેથે કહ્યું કે, "અમે ઇચ્છીએ છીએ કે લોકો આ સજા જોઈ શકે કારણ કે લોકોએ સમજવાની જરૂર છે કે આવા ગંભીર ગુનાના પરિણામો પણ ગંભીર જ આવે છે."

અમેરિકામાં છેલ્લે 90 વર્ષ અગાઉ જાહેરમાં મોતની સજા

સામાન્ય રીતે અમેરિકામાં સજાના અમલ વખતે પીડિતના પરિવારજનો અને પત્રકારોનું એક નાનું જૂથ જ હાજર હોય છે. પરંતુ આ વખતે સામાન્ય જનતા માટે લાઈવ સ્ટ્રીમિંગ થવાનું છે. અમેરિકામાં છેલ્લી જાહેર ફાંસી 1936માં કેન્ટુકીમાં રેની બેથેઆ નામના બળાત્કારના ગુનેગારને અપાઈ હતી, જેને જોવા માટે લગભગ 20,000 લોકોની ભીડ એકઠી થઈ હતી.

નિદાલ હસનની સજા બાબતે વિવાદ

નિદાલ હસનને જાહેરમાં અપાનારા મૃત્યુદંડના નિર્ણયની કાયદાકીય અને સામાજિક સ્તરે અમેરિકામાં ભારે ટીકા થઈ રહી છે. યેલ યુનિવર્સિટીના વિઝિટિંગ લેક્ચરર યુજેન આર. ફિડેલે આ પગલાને 'મધ્યયુગીન માનસિકતા' ગણાવીને દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય કહ્યો છે. વકીલ જ્હોન મિલ્સ સહિત અન્ય નિષ્ણાતો પણ આ સજાને માનવાધિકારોના ઉલ્લંઘન તરીકે જોઈ રહ્યા છે.