યુનાઇટેડ સ્ટેટ્સમાં 90 વર્ષ પછી પ્રથમ વખત જાહેરમાં મૃત્યુદંડ અમલમાં મૂકવામાં આવશે. 2009માં ટેક્સાસના ફોર્ટ હૂડ લશ્કરી બેઝ પર 13 સૈનિકોની હત્યા કરનાર પૂર્વ આર્મી ઓફિસર મેજર નિદાલ મલિક હસનને 3 ડિસેમ્બરે ફાયરિંગ સ્ક્વોડ દ્વારા ગોળી મારીને મૃત્યુદંડ અપાશે. અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેગસેથે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ સમગ્ર પ્રક્રિયાનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે.
નિદાલ મલિક હસને ફોર્ટ હૂડ ખાતે અંધાધૂંધ ગોળીબાર કરીને 13 લોકોની હત્યા કરી હતી અને 32 લોકોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. મૃતકોમાં 12 સક્રિય આર્મી સૈનિકોનો સમાવેશ થતો હતો. અમેરિકી લશ્કરી બેઝના ઇતિહાસમાં આ સૌથી ઘાતક હુમલો હતો.
અમેરિકામાં છેલ્લે 1936માં કેન્ટુકીના ઓવેન્સબોરો ખાતે જાહેરમાં ફાંસી અપાઈ હતી. તે સમયે એક યુવકને દુષ્કર્મના દોષમાં જાહેર મંચ પર ફાંસી આપવામાં આવી હતી, જેને જોવા માટે 20 હજારથી વધુ લોકો એકઠા થયા હતા. ત્યાર બાદ જાહેર મૃત્યુદંડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે લગભગ એક સદી પછી ફરી એકવાર જાહેર સજાનો અમલ થવા જઈ રહ્યો છે.
નોંધનીય છે કે સામાન્ય રીતે વિશ્વમાં આવી સજાઓનું જીવંત પ્રસારણ કરવામાં આવતું નથી. હાલમાં મુખ્યત્વે ઈરાન, ઉત્તર કોરિયા અને અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન હેઠળ જ આ પ્રથા જોવા મળે છે. અમેરિકામાં આ નિર્ણયને લઈને ચર્ચા શરૂ થઈ છે.