સત્ય. સાહસ. સંકલ્પ.

US ઓપન: વર્લ્ડ નંબર-4 ઓગર-અલિયાસિમ બહાર, ખાચાનોવનો કમાલ

US ઓપન: વર્લ્ડ નંબર-4 ઓગર-અલિયાસિમ બહાર, ખાચાનોવનો કમાલ

ન્યૂયોર્કમાં ગુરુવારે US ઓપન 2026ના બીજા રાઉન્ડમાં મોટો અપસેટ જોવા મળ્યો. મેન્સ સિંગલ્સમાં વિશ્વના 50મા નંબરના રશિયન ખેલાડી કરેન ખાચાનોવે વર્લ્ડ નંબર-4 કેનેડાના ફેલિક્સ ઓગર-અલિયાસિમને 6-7, 6-3, 6-2, 6-2થી હરાવીને સ્પર્ધામાંથી બહાર કરી દીધો.

પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ખાચાનોવે સતત ત્રણ સેટ જીતીને મુકાબલો પોતાના નામે કર્યો. જ્યારે, વુમન્સ સિંગલ્સમાં ઈગા સ્વિયાતેક અને નાઓમી ઓસાકા ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયાં છે.

મેચની શરૂઆતમાં ઓગર-અલિયાસિમે 3-0ની લીડ બનાવી હતી. ખાચાનોવે વાપસી કરતા સ્કોર 4-4 થયો અને પ્રથમ સેટ ટાઈબ્રેકર સુધી પહોંચ્યો. જોકે, ટાઈબ્રેકરમાં કેનેડિયન ખેલાડીએ સેટ જીતી લીધો. બીજા રાઉન્ડના આ મુકાબલામાં આ પછી ખાચાનોવે દબદબો બનાવી લીધો. બીજા સેટમાં તેણે 3-0ની લીડ બનાવીને 6-3થી સેટ જીત્યો. ત્રીજા સેટમાં 6-2 અને ચોથા સેટમાં પણ 6-2થી જીત મેળવી મેચ પોતાના નામે કરી.

આ તેની આ ગ્રાન્ડ સ્લેમમાં બીજી ટોપ-10 જીત છે. આ જીત સાથે તે એક જ વર્ષમાં ચારેય ગ્રાન્ડ સ્લેમના ત્રીજા રાઉન્ડમાં પહોંચનાર ખેલાડી પણ બની ગયો છે. ત્રીજા રાઉન્ડમાં ખાચાનોવનો સામનો ફ્રાન્સના બેન્જામિન બોન્ઝી અને પેરુના ઇગ્નાસિયો બુસે વચ્ચેની મેચના વિજેતા સાથે થશે.

વુમન્સ સિંગલ્સમાં ઈગા સ્વિયાતેકે આર્જેન્ટિનાની નાડિયા પોડોરોસ્કાને 6-3, 6-2થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં સ્થાન બનાવ્યું. સ્વિયાતેકે પહેલા સેટમાં 5-3ની લીડ મેળવીને સેટ જીત્યો. બીજા સેટમાં તેણે 5-1ની લીડ બનાવી અને સરળતાથી મુકાબલો સમાપ્ત કર્યો. ત્રીજા રાઉન્ડમાં તેનો સામનો હેરિયટ ડાર્ટ અને 25મી સીડ મારિયા બુઝકોવા વચ્ચે રમાનારી મેચના વિજેતા સાથે થશે.

બે વખતની US ઓપન ચેમ્પિયન નાઓમી ઓસાકાએ ચેક રિપબ્લિકની કટેરીના સિઆકોવાને 6-2, 5-7, 6-1થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. બીજા સેટમાં ઓસાકા પાછી પડી હતી, પરંતુ નિર્ણાયક સેટમાં તેણે 6-1થી જીત મેળવી. હવે તેનો સામનો બેલ્જિયમની એલિસ મર્ટન્સ સાથે થશે.

આર્યના સબાલેન્કા અને પત્રકાર મેટ ફટરમેન વચ્ચે પ્રેસ કોન્ફરન્સમાં ઉગ્ર દલીલ થઈ હતી. ફટરમેને ટુર્નામેન્ટ પહેલા બ્રાન્ડ ઇવેન્ટ્સમાં સબાલેન્કાની હાજરી અંગે સવાલ કર્યો હતો. આ પર સબાલેન્કાએ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે બ્રાન્ડ્સ સાથેની તેની પ્રવૃત્તિઓનો અર્થ એ નથી કે તે પાર્ટીઓ કરી રહી હતી. બાદમાં ફટરમેને કહ્યું કે સબાલેન્કા અને તેના એજન્ટે મેસેજ કરીને માફી માગી છે. સબાલેન્કા સતત ત્રીજી US ઓપન મહિલા સિંગલ્સ ટ્રોફી જીતવાનો પ્રયાસ કરી રહી છે.

ફ્રાન્સેસ્કા જોન્સની હાર સાથે US ઓપન 2026ના મેઈન ડ્રોમાં સામેલ તમામ નવ બ્રિટિશ સિંગલ્સ ખેલાડીઓ ત્રીજા રાઉન્ડ પહેલા બહાર થઈ ગયા. વુમન્સ સિંગલ્સમાં જોન્સને અમેરિકાની 18 વર્ષીય ઈવા જોવિકે 6-4, 6-4થી હરાવી.