ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સામાન્ય સભા પહેલા અમેરિકાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં એર ટ્રાફિક વ્યવસ્થામાં ટેકનિકલ ખામી સર્જાતા સેંકડો ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. ન્યૂયોર્કના જ્હોન એફ. કેનેડી, લાગાર્ડિયા, નેવાર્ક અને ફિલાડેલ્ફિયાના એરપોર્ટ્સ પર અસર થઈ હતી. કલાકોની જહેમત બાદ ખામી સુધારાતા ફ્લાઈટ્સ ફરી શરૂ થઈ હતી.
અમેરિકન ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) મુજબ ફિલાડેલ્ફિયાના એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરમાં સોમવારે સવારે એક સર્કિટ ફેઈલ થઈ હતી. ત્યારબાદ જાણવા મળ્યું કે ન્યૂ જર્સીમાં કન્સ્ટ્રક્શન કામના પગલે ન્યૂ બ્રન્સવિક અને નેવાર્ક વચ્ચેની બેકઅપ ફાઈબર ઓપ્ટિકલ લાઈન કપાઈ ગઈ હતી.
આ ખામીના કારણે ફિલાડેલ્ફિયા ઉપરાંત ન્યૂયોર્ક સિટી અને આસપાસનાં એરપોર્ટસથી ઉપડતી તેમજ ત્યાં આવતી અનેક ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. પરિણામે સેંકડો પેસેન્જર્સ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં ભાગ લેવા આવનારા મહાનુભાવો પણ પરેશાન થયા હતા. તેમના પ્લેન ન્યૂયોર્ક, નેવાર્ક કે ફિલાડેલ્ફિયાના એરપોર્ટ્સ પર ઉતરી શક્યાં નહોતાં. આ ખામીના કારણે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સોમવારના એક કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નહોતા.
નેવાર્ક લિબર્ટી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૬૦૦થી વધુ ફ્લાઈટ્સ સહિત સેંકડો ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. ન્યૂયોર્ક સિટીના મોટાભાગના એરપોર્ટ્સ પર પણ આઉટેજની અસર થઈ હતી. ફ્લાઈટવેર.કોમ મુજબ ફિલાડેલ્ફિયામાં ૨૦૦થી વધુ ફ્લાઈટ રદ થઈ હતી. નેવાર્ક એરપોર્ટ પર મંગળવારે ૬૦ ફ્લાઈટ રદ થઈ અને ૪૦ વિલંબમાં મુકાઈ, જ્યારે લાગાર્ડિયા અને કેનેડી એરપોર્ટ્સ પર પણ ફ્લાઈટ્સ ખોરવાઈ હતી.
સોમવારે આખો દિવસ ફ્લાઈટ્સનો કાર્યક્રમ ખોરવાયેલો રહ્યા પછી મંગળવારે ફ્લાઈટ્સ ફરી શરૂ થઈ શકી હતી. આ ઘટના અંગે FAAએ તપાસ હાથ ધરી છે.