અમેરિકી નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર USS અબ્રાહમ લિંકન પર તૈનાત લગભગ 5000 સૈનિકોને થાઈલેન્ડના પટાયામાં પાંચ દિવસની રજા મળી હતી. લગભગ નવ મહિના સમુદ્રમાં રહ્યા બાદ આ રજાનો આનંદ સૈનિકોએ જોરશોરથી માણ્યો હતો. તેમણે નાઈટ ક્લબોમાં પાર્ટી કરી, ડાન્સ કર્યો અને સ્થાનિક સ્થળોની મુલાકાત લીધી હતી. આ દરમિયાનના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
USS અબ્રાહમ લિંકન 2 સપ્ટેમ્બરે પટાયા નજીક આવેલા લામ ચાબાંગ બંદરે પહોંચ્યું હતું. ત્યારબાદ મોટી સંખ્યામાં સૈનિકો નાગરિક કપડાંમાં હોટલ, રેસ્ટોરાં અને શહેરની શેરીઓમાં જોવા મળ્યા હતા. સ્થાનિક વેપારીઓએ પણ સૈનિકોના સ્વાગત માટે તૈયારીઓ કરી હતી. કમાન્ડરોએ આ રજાને લાંબા સમય સુધી દરિયામાં રહ્યા બાદ આરામ અને રિચાર્જ થવાની તક ગણાવી હતી.
રાત પડતાં જ પટાયાની નાઈટલાઈફમાં સૈનિકોની ભીડ જોવા મળી હતી. ક્લબોમાં સંગીત અને રોશની વચ્ચે સૈનિકો ડાન્સ કરતા દેખાયા હતા. કેટલાકે શર્ટ ઉતારીને ડાન્સ કર્યો હતો, જ્યારે કેટલાક હાથમાં બીયર લઈને મજા કરતા જોવા મળ્યા હતા. એક વીડિયોમાં સૈનિક સફેદ શોર્ટ્સમાં પોતાનો શર્ટ હવામાં ફેરવતો ડાન્સ કરતો દેખાયો હતો.
રસ્તાઓ પર પણ સૈનિકોની મસ્તી જોવા મળી હતી. એક વીડિયોમાં એક સૈનિક તેના સાથીને મદદ કરતો જોવા મળ્યો હતો, જે વધુ પડતા દારૂના કારણે રસ્તા કિનારે પડી ગયો હતો. અન્ય એક વીડિયોમાં બારની છોકરીઓ સૈનિકો સાથે મજાક કરતી અને તસવીરો ખેંચાવતી જોવા મળી હતી. સૈનિકો હસતા-હસતા આ માહોલનો આનંદ લઈ રહ્યા હતા.
એક સૈનિક સફેદ ડ્રેસ પહેરીને રસ્તા પર ચાલતો જોવા મળ્યો હતો. તેના મિત્રોએ જણાવ્યું કે શરત હાર્યા બાદ તેણે આ ડ્રેસ પહેર્યો હતો. પાંચ દિવસની રજા પૂરી થતાં 6 સપ્ટેમ્બરે સૈનિકો નિર્ધારિત સમયે જહાજ પર પાછા ફર્યા હતા અને USS અબ્રાહમ લિંકન ફરી સમુદ્રમાં રવાના થયું હતું.
આ દરમિયાન સૈનિકોની હાથીઓ સાથે મસ્તીનો એક વીડિયો પણ ખૂબ શેર કરવામાં આવ્યો હતો. તેમાં સૈનિકો હાથીઓને ખવડાવતા અને તેમની સાથે પાણીમાં રમતા જોવા મળ્યા હતા. હાથીઓ પોતાની સૂંઢથી પાણી ઉછાળી રહ્યા હતા અને સૈનિકો તેનો આનંદ લઈ રહ્યા હતા.
કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન ડેન કીલરે થાઈલેન્ડના લોકોની મહેમાનગતિ માટે આભાર માન્યો હતો અને આ પોર્ટ વિઝિટને ક્રૂ માટે આરામ અને રિચાર્જ થવાની શાનદાર તક ગણાવી હતી. લગભગ 286 દિવસની તૈનાતી બાદ થાઈલેન્ડના આ પાંચ દિવસ સૈનિકો માટે લાંબા સમય સુધી યાદગાર રહેશે.
અહેવાલો અનુસાર, સૈનિકોને દેહ વ્યાપાર સાથે સંકળાયેલા કેટલાક વિસ્તારોમાં જવા પર પ્રતિબંધ મૂકાયો હતો. પોલીસે સૈનિકોના આગમન પહેલાં પટાયામાં દેહ વ્યાપાર વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી હતી અને લગભગ 50 સેક્સ વર્કર્સને કસ્ટડીમાં લીધા હતા.