સત્ય. સાહસ. સંકલ્પ.

મિડલ ઈસ્ટમાં સૈનિકોને નિશાન બનાવવાના જોખમે અમેરિકાએ મોબાઈલ ટ્રેકર્સ બંધ કર્યા

મિડલ ઈસ્ટમાં સૈનિકોને નિશાન બનાવવાના જોખમે અમેરિકાએ મોબાઈલ ટ્રેકર્સ બંધ કર્યા

અમેરિકન સેનાએ મિડલ-ઈસ્ટમાં તહેનાત પોતાના સૈનિકોને નિશાન બનાવવા માટે કોમર્શિયલ લોકેશન ડેટાના દુરુપયોગના અહેવાલો બાદ તાત્કાલિક પગલાં લીધાં છે. સેનેટર રોન વાઈડનના પત્રો અને 'રોયટર્સ'ના અહેવાલ મુજબ, અમેરિકન લશ્કરે પોતાના કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન્સમાં જાહેરાત ટ્રેકર્સ (એડવર્ટાઈઝિંગ આઈડેન્ટિફાયર્સ) ડિસેબલ કરી દીધા છે.

અમેરિકન વાયુસેનાએ સેનેટર વાઈડનને જણાવ્યું છે કે સુરક્ષાના કારણોસર બે મહિના પહેલાં જ તમામ મોબાઈલ ફોન્સ અને કોમ્પ્યુટર્સમાંથી આ ટ્રેકર્સ હટાવી દેવાયા હતા. આ ઉપરાંત, અમેરિકન સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડે પણ પોતાના વિન્ડોઝ ડિવાઈસમાં આવા ટ્રેકિંગ ફીચર્સ બંધ કરી દીધાનું જણાવ્યું છે.

લોકેશન ડેટા લીક થવાથી સૈનિકો પર તોળાતા જોખમને ધ્યાનમાં રાખીને સેનેટર રોન વાઈડન અને પ્રતિનિધિ પેટ હેરિગને પેન્ટાગોન (અમેરિકન સંરક્ષણ મંત્રાલય) પાસે વિશેષ તપાસની માંગ કરી છે. તેમણે સૈન્ય સુરક્ષા ઉપાયોની ગંભીર સમીક્ષા કરવાની અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં આવા ડેટા લીકથી સૈન્ય સામે ખતરો ન ઊભો થાય.