અમેરિકામાં 3 નવેમ્બર, 2026ના રોજ યોજાનારી મધ્યસત્ર (મિડટર્મ) ચૂંટણીઓ નિર્ણાયક સાબિત થવા જઈ રહી છે. આ ચૂંટણીઓ માત્ર કોંગ્રેસના નવા સભ્યોની પસંદગી જ નહીં કરે, પરંતુ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બાકીના કાર્યકાળની દિશા પણ નક્કી કરશે. દેશ હાલ મોંઘવારી, ઇમિગ્રેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા મુદ્દાઓનો સામનો કરી રહ્યો છે, ત્યારે આ ચૂંટણી અમેરિકન જનતાનો મૂડ સ્પષ્ટ કરશે.
મિડટર્મ ચૂંટણી શું છે? અમેરિકામાં કોંગ્રેસ (સંસદ) ફેડરલ કાયદા બનાવે છે, જે આખા દેશને લાગુ પડે છે. કોંગ્રેસના બે ભાગ છે: હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (નીચલું ગૃહ) અને સેનેટ (ઉપલું ગૃહ). આ ચૂંટણીઓ દર બે વર્ષે યોજાય છે અને રાષ્ટ્રપતિના ચાર વર્ષના કાર્યકાળની મધ્યમાં આવતી હોવાથી તેને 'મિડટર્મ' કહેવાય છે. પરિણામ નક્કી કરશે કે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી કે વિપક્ષ ડેમોક્રેટ્સ કોંગ્રેસ પર નિયંત્રણ મેળવશે, જેનાથી સ્પષ્ટ થશે કે પ્રમુખ પોતાની નવી યોજનાઓ લાગુ કરી શકશે કે નહીં.
કોની ચૂંટણી થઈ રહી છે? હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ 435 બેઠકો માટે મતદાન થશે. સભ્યોનો કાર્યકાળ બે વર્ષનો હોય છે અને નવા કાયદાના પ્રસ્તાવ સામાન્ય રીતે અહીં જ રજૂ થાય છે. ઉપરાંત, સેનેટની 100માંથી 35 બેઠકો માટે પણ મતદાન થશે, જેમાં 33 નિયમિત અને 2 પેટા ચૂંટણીઓનો સમાવેશ થાય છે. સેનેટરોનો કાર્યકાળ છ વર્ષનો હોય છે અને તેઓ નીચલા ગૃહના કાયદાને મંજૂરી આપે છે અથવા અટકાવે છે. આ જ દિવસે કેલિફોર્નિયા, ફ્લોરિડા, જ્યોર્જિયા અને મિશિગન જેવા રાજ્યોમાં ગવર્નર પદની ચૂંટણી પણ યોજાશે, જેના પર સૌની નજર રહેશે.
ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ: મોંઘવારી અને અર્થવ્યવસ્થા સૌથી મોટો મુદ્દો છે. ફ્યુઅલ, કરિયાણું, મકાન અને આરોગ્યસંભાળના વધતા ભાવથી અમેરિકનો ચિંતિત છે. ફેડરલ રિઝર્વના લક્ષ્યાંક કરતાં ફુગાવો હજુ ઊંચો છે, જેનું એક કારણ ફેબ્રુઆરીમાં યુએસ અને ઇઝરાયલ દ્વારા ઇરાન સામે શરૂ કરાયેલું યુદ્ધ પણ છે. ડેમોક્રેટ્સનો આરોપ છે કે ટ્રમ્પની વેપાર શુલ્ક (ટેરિફ) નીતિએ મોંઘવારી વધારી છે. બીજો મુદ્દો ઇમિગ્રેશન છે. રિપબ્લિકન નેતાઓ કહે છે કે ટ્રમ્પે 2024માં સરહદ પર કડક કાર્યવાહી કરીને ગેરકાયદે ઇમિગ્રેશન રોકવાનું વચન પૂરું કર્યું છે. ત્રીજો મુદ્દો AI છે. બંને પક્ષના વરિષ્ઠ નેતાઓ AIને નિયંત્રિત કરવા સંમત છે, પરંતુ ટ્રમ્પ ટેક્નોલોજીના વિકાસને રોકતા કાયદાનો વિરોધ કરે છે. આ ઉપરાંત સંસ્થાકીય ભ્રષ્ટાચાર, લોકશાહીનું ભવિષ્ય, આરોગ્યસંભાળનો ખર્ચ, ગુનાખોરી અને કાયદો-વ્યવસ્થા તથા સામાજિક સુરક્ષા પણ મહત્ત્વના મુદ્દા છે. AI ડેટા સેન્ટરોના નિર્માણ સામે પણ લોકો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેનાથી ઊર્જા અને પાણીનો વપરાશ વધે છે.
કોના જીતવાની શક્યતા છે? હાલમાં હાઉસ અને સેનેટ બંનેમાં રિપબ્લિકન પાર્ટીની પાતળી બહુમતી છે. હાઉસમાં બહુમતી માટે ઓછામાં ઓછી 218 બેઠકો જરૂરી છે, અને રિપબ્લિકન્સ પાસે તે સંખ્યા છે. જોકે, મિડટર્મ ચૂંટણીમાં સત્તાધારી પાર્ટીને સામાન્ય રીતે નુકસાન થાય છે. ડેમોક્રેટ્સ મોંઘવારી અને ટ્રમ્પની નીતિઓ સામે મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ, રિપબ્લિકન્સ ઇમિગ્રેશન અને સુરક્ષાના મુદ્દે પોતાનો આધાર મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અંતિમ પરિણામ મતદારોના મૂડ પર આધારિત રહેશે.