સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટીને મોટો ઝટકો, વેન્સ સાથે મતભેદ જાહેર

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટીને મોટો ઝટકો, વેન્સ સાથે મતભેદ જાહેર

અમેરિકામાં તાજેતરમાં યોજાયેલી મિડટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (પ્રતિનિધિ સભા) અને સેનેટ, બંને સદનોમાં બહુમતી મેળવી લીધી છે. આ પરિણામોથી વોશિંગ્ટનમાં સત્તાનું સંતુલન બદલાયું છે.

ચૂંટણી પરિણામો અનુસાર, 435 બેઠકો ધરાવતી પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટ્સને 228 અને રિપ્લિકન્સને 139 બેઠકો મળી છે. બહુમતી માટે 218 બેઠકો જરૂરી હોય છે. 100 સભ્યોવાળી સેનેટમાં ડેમોક્રેટ્સે 54 બેઠકો સાથે બહુમતી મેળવી છે, જ્યારે રિપ્લિકન પાર્ટીને 44 બેઠકો મળી છે. આ પરિણામોને કારણે ટ્રમ્પ માટે પોતાનું નીતિગત એજન્ડા આગળ વધારવું મુશ્કેલ બનશે.

આ વચ્ચે વ્હાઇટ હાઉસની અંદર પ્રમુખ ટ્રમ્પ અને ઉપપ્રમુખ જેડી વેન્સ વચ્ચેના મતભેદો પણ જાહેર થયા છે. વેન્સે સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ લખીને ઈરાન વિરુદ્ધના સૈન્ય અભિયાનને પાર્ટીની હારનું મુખ્ય કારણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે સેનેટમાં છ વર્ષ માટે બહુમતી ગુમાવવી એ આ યુદ્ધનું પરિણામ છે. એક સર્વે મુજબ, લગભગ દસમાંથી છ મતદાતાઓએ ઈરાન સામેની સૈન્ય કાર્યવાહીને ખોટો નિર્ણય ગણાવ્યો હતો.

જોકે, ટ્રમ્પે હજુ પણ આ સૈન્ય કાર્યવાહીનો બચાવ કર્યો છે. વેન્સના નિવેદન બાદ ટ્રમ્પે જણાવ્યું કે તેમણે વેન્સ સાથે વાતચીત કરી છે અને તેમની પોસ્ટ સારી ગણાવી છે. ટ્રમ્પે કહ્યું, 'હું તેમની ભાવનાઓ સમજું છું.' ટ્રમ્પે એ વાત પણ સ્વીકારી કે તેમને અગાઉથી ખ્યાલ હતો કે ઈરાન યુદ્ધની અસર ચૂંટણી પર પડશે, છતાં તેમણે સૈન્ય કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી.

વિદેશોમાં અગાઉ પણ સૈન્ય હસ્તક્ષેપની ટીકા કરી ચૂકેલા જેડી વેન્સ હવે ચૂંટણી હાર બાદ વધુ આક્રમક દેખાઈ રહ્યા છે. તેમણે મોંઘવારી, ઇમિગ્રેશન નીતિ અને ઈઝરાયલ સાથેના સંબંધો જેવા મુદ્દાઓને પણ હારના કારણોમાં ગણાવ્યા છે. વેન્સનું આ બદલાયેલું વલણ ભવિષ્યની તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓ, ખાસ કરીને 2028ની પ્રમુખની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

દેશના 36 રાજ્યોમાં યોજાયેલી ગવર્નરની ચૂંટણીમાંથી 34ના પરિણામો આવી ગયા છે, જેમાં 22 બેઠકો પર ડેમોક્રેટિક ઉમેદવારોએ અને 12 બેઠકો પર રિપ્લિકન ઉમેદવારોએ વિજય મેળવ્યો છે. આ તમામ પરિણામોએ ટ્રમ્પની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે રિપ્લિકન પાર્ટી આ હારમાંથી શું બોધપાઠ લે છે.