મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ પોતાના નાગરિકો માટે સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે કે આ વિસ્તારમાં સુરક્ષાની સ્થિતિ ગંભીર છે અને તે ગમે ત્યારે બગડી શકે છે. તેથી મિડલ ઈસ્ટમાં રહેતા અથવા ત્યાં જવાનું વિચારી રહેલા નાગરિકોને અત્યંત સાવચેત રહેવા અને પ્રવાસ ટાળવા સૂચના આપવામાં આવી છે.
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે તણાવ વધવાના કારણે પ્રદેશમાં ઘણી ફ્લાઇટ્સ રદ થઈ શકે છે અને એરસ્પેસ પણ બંધ થઈ શકે છે. આથી મુસાફરીમાં ભારે મુશ્કેલી પડી શકે છે. નાગરિકોને એરપોર્ટ અને એરલાઇન્સના તાજા અપડેટ્સ પર નજર રાખવા કહેવામાં આવ્યું છે. મિડલ ઈસ્ટની બહાર રહેતા નાગરિકોને પણ આ ક્ષેત્રની મુસાફરી કે ત્યાંથી પસાર થવા અંગે ગંભીરતાથી પુનર્વિચાર કરવાની ચેતવણી આપવામાં આવી છે.
એલર્ટમાં ખાસ કરીને ઈરાન સમર્થિત હુથી જૂથનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેણે સાઉદી અરેબિયા વિરુદ્ધ નાગરિક હવાઈ મથકોને નિશાન બનાવીને હિંસક પ્રવૃત્તિઓ કરી છે. આ લશ્કરી સંઘર્ષ ઝડપથી વધી રહ્યો હોવાથી સમગ્ર પ્રદેશમાં સુરક્ષાને લઈને ચિંતા છે.
આ ઉપરાંત, વિદેશમાં રહેલા અમેરિકન રાજદ્વારી ઠિકાણાઓ, નાગરિકો, સંસ્થાઓ અને વ્યાપારી હિતો પર પણ ઈરાન તથા તેના સમર્થક જૂથો દ્વારા હુમલાનું જોખમ છે. પ્રદેશની સ્થિતિ સતત બદલાઈ રહી હોવાથી નાગરિકોને સ્થાનિક સુરક્ષા માર્ગદર્શિકાઓનું પાલન કરવા અને મુસાફરી પહેલાં પૂરતી માહિતી મેળવી લેવા અપીલ કરવામાં આવી છે.