વોશિંગ્ટનઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતના ન્યૂયોર્કના કાર્યક્રમ બાદ અમેરિકાના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. અમેરિકાના 90 નેતાઓએ RSS અને તેના સાથી સંગઠનો પાસેથી કોઈ દાન ન લેવાની જાહેરાત કરી છે. આ નેતાઓમાં ભારતીય મૂળના સાંસદ રો ખન્ના (Ro Khanna) અને પ્રમિલા જયપાલ (Pramila Jayapal)નો પણ સમાવેશ થાય છે.
હિન્દુઝ ફોર હ્યુમન રાઈટ્સ એક્શન અને સાઉથ એશિયન અમેરિકન કોઅલિશન ટુ રિન્યુ ડેમોક્રસી જેવા જૂથોએ 31 ઓગસ્ટે જાહેર કરેલા સંકલ્પ મુજબ, અમેરિકાના આઠ રાજ્યોના ચૂંટાયેલા નેતાઓ અને ઉમેદવારોએ RSS અને તેની સહયોગી સંસ્થાઓ પાસેથી મળતી આર્થિક મદદ નકારવાની ખાતરી આપી છે. બંને જૂથોએ જણાવ્યું કે આ અભિયાન મોહન ભાગવતના અમેરિકા અને કેનેડાના પ્રવાસના જવાબમાં શરૂ કરાયું છે.
આ સંકલ્પમાં ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પક્ષના નેતાઓ સામેલ છે. હિન્દુઝ ફોર હ્યુમન રાઈટ્સ એક્શન અમેરિકા સ્થિત રાજકીય વકીલાત જૂથ છે, જે પોતાને બધા હિન્દુઓ માટે લોકતંત્ર, માનવાધિકારો અને બહુમતવાદનું રક્ષણ કરવા માગતું આંદોલન ગણાવે છે. સાથે તે જાતિ વ્યવસ્થા અને હિન્દુ રાષ્ટ્રવાદને ખતમ કરવા માગે છે.
છ પાનાના આ સંકલ્પ પર અમેરિકન કોંગ્રેસના સભ્યો, રાજ્યોના ધારાસભ્યો, મેયર, સ્થાનિક નેતાઓ અને ઉમેદવારોએ હસ્તાક્ષર કર્યા છે. આ સંગઠનોએ અગાઉ 29 ઓગસ્ટે ન્યૂયોર્કના મેનહટનમાં મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે યોજાયેલા 'યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન' કાર્યક્રમનો પણ વિરોધ કર્યો હતો.
બીજી તરફ, હિન્દુ અમેરિકન પોલિટિકલ એક્શન કમિટિએ આ અભિયાનની આકરી ટીકા કરી છે. તેમણે આ સંગઠનોને કટ્ટરપંથી ડાબેરી ગણાવ્યા છે અને આ અભિયાનને અમેરિકા વિરોધી અને હિન્દુ વિરોધી ગણાવ્યું છે.