ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકને મોટું નુકસાન થયું છે. અમેરિકન સંસદની સ્વતંત્ર સંસ્થા 'કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ' (CRS)ના તાજેતરના રિપોર્ટ મુજબ, ઈરાન સાથેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 81 અમેરિકન સૈન્ય વિમાનો અને ડ્રોન નષ્ટ થયા છે અથવા ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયા છે. અમેરિકન સૈન્યએ નુકસાનની સત્તાવાર માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોંગ્રેસનલ રિપોર્ટમાં તબાહ થયેલા સૈન્ય સાધનોની યાદી જાહેર કરવામાં આવી છે.
નષ્ટ થયેલા 81 વિમાનોમાં નીચે મુજબના સૈન્ય સાધનોનો સમાવેશ થાય છે:
- MQ-9 રીપર ડ્રોન: 45 (જેમાંથી મોટાભાગના ગુપ્ત મિશનમાં તબાહ થયા)
- F-15E સ્ટ્રાઈક ઈગલ જેટ: 12
- KC-135 સ્ટ્રેટોટેંકર: 7
- F-35A લાઈટનિંગ II: 1
ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં કટોકટી વખતે બે અમેરિકન પાયલટોને બચાવવા માટે મોકલવામાં આવેલા ખાસ મિશન દરમિયાન પણ કેટલાક વિમાનો નષ્ટ થયા હતા, જે બાબત સેનાએ સ્વીકારવી પડી હતી.
બીજી તરફ, આટલા મોટા સૈન્ય નુકસાન અને દેશમાં વધતા રાજકીય દબાણ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો રાજકીય નિર્ણય લીધો છે. ટ્રમ્પે ગુરુવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, અમેરિકામાં આગામી 3 નવેમ્બરે યોજાનારી મિડ-ટર્મ ચૂંટણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ ઈરાન પર કોઈ નવા સૈન્ય હુમલાનો આદેશ આપશે નહીં. રિપબ્લિકન પાર્ટીના પ્રચાર દરમિયાન ટ્રમ્પે અગાઉ મોટા હુમલાના સંકેત આપ્યા હતા, પરંતુ સતત તબાહ થઈ રહેલા યુએસ એરફોર્સના પ્લેનો અને ડ્રોનોના કારણે હાલ પૂરતી તેમણે યુદ્ધવિરામ જેવી સ્થિતિ પસંદ કરી છે.