વોશિંગ્ટન, 9 સપ્ટેમ્બર: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધ્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) અનુસાર, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ પાછલા બે દિવસમાં અમેરિકી નૌસેનાના એક યુદ્ધજહાજ પર બે વખત બેલિસ્ટિક મિસાઈલથી હુમલાનો પ્રયાસ કર્યો. અમેરિકી જહાજે બંને પ્રયાસ નિષ્ફળ બનાવ્યા હોવાનો દાવો કરાયો છે. ત્યારબાદ 8 સપ્ટેમ્બરે અમેરિકી દળોએ ઈરાન સાથે સંકળાયેલા પાંચ ક્રૂડ ઓઈલ ટેન્કરોને નષ્ટ કર્યાં.
સેન્ટકોમના જણાવ્યા મુજબ, ઓમાનની ખાડીમાં M/T Kaviz, M/T Charminar, M/T Horizon 1 અને M/T Riesco નામના ચાર ટેન્કરોને નિશાન બનાવાયાં હતાં. પાંચમો ટેન્કર M/T Derya ખાર્ગ દ્વીપ નજીક નષ્ટ કરાયો. હુમલા પહેલાં ક્રૂ સભ્યોને જહાજ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેથી કોઈ જાનહાનિ ન થઈ.
સેન્ટકોમે દાવો કર્યો કે આ ટેન્કરો ઈરાનના અબજો ડોલરના ગુપ્ત નેટવર્કનો હિસ્સો હતાં, જેના નાણાં IRGC અને તેના પ્રાદેશિક સહયોગીઓને મદદ કરે છે. આ પહેલાં 5 સપ્ટેમ્બરે પણ અમેરિકાએ ત્રણ ઈરાની ઓઈલ ટેન્કર નષ્ટ કર્યાં હતાં, તે સમયે IRGCએ અમેરિકી વિમાનવાહક જહાજ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.
ઈરાને આ કાર્યવાહીનો જવાબ આપતાં બુધવારે જોર્ડનમાં અમેરિકી લશ્કરી મથક અલ-અઝરાક પર મિસાઈલ હુમલો કર્યાનો દાવો કર્યો. જોર્ડનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, છોડવામાં આવેલી 20 મિસાઈલોમાંથી 18ને હવામાં જ તોડી પાડવામાં આવી હતી. બાકીની બે નિર્જન વિસ્તારમાં પડી હતી, કોઈ જાનહાનિ નથી. આ ઘટનાથી મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધવાની શક્યતા છે.