સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકા-ઈરાન વચ્ચે કતારની મધ્યસ્થતા નિષ્ફળ, મધ્યપૂર્વમાં યુદ્ધનો ભય ઘેરાયો

અમેરિકા-ઈરાન વચ્ચે કતારની મધ્યસ્થતા નિષ્ફળ, મધ્યપૂર્વમાં યુદ્ધનો ભય ઘેરાયો

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ઘટાડવા માટે કતાર દ્વારા કરવામાં આવેલી મધ્યસ્થતા ફરી એકવાર નિષ્ફળ નીવડી છે. આ અઠવાડિયે ન્યૂયોર્ક અને વોશિંગ્ટનમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં બંને દેશો વચ્ચે કોઈ નક્કર સહમતિ સધાઈ નથી. બેઠક સાથે જોડાયેલા સૂત્રો અનુસાર, બંને પક્ષો પોતાની જીદ પર અડગ રહ્યા છે અને એક પણ ડગલું પાછળ હટવા તૈયાર નથી. આ સ્થિતિથી મધ્યપૂર્વમાં યુદ્ધનો ભય ઘેરાઈ રહ્યો છે.

અમેરિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મિડ-ટર્મ ચૂંટણીઓ બાદ મોટા પાયે સૈન્ય અભિયાન શરૂ કરવાનો આદેશ આપી શકે છે.

સોમવારે કતારના મુખ્ય મધ્યસ્થ અલી અલ-થવાડીએ ન્યૂયોર્કમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને તેમની ટીમ સાથે કલાકો સુધી મેરાથોન બેઠક યોજી હતી. આ દરમિયાન ઈરાન પરથી યુએસ નેવીની નાકાબંધી હટાવવા અને અમેરિકાની માંગ મુજબ ઈરાનના પરમાણુ કાર્યક્રમોને સીમિત કરવા માટે બે પાનાના કરારના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી.

ત્યારબાદ અલી અલ-થવાડી વોશિંગ્ટન પહોંચ્યા હતા, જ્યાં તેમણે ટ્રમ્પના દૂત જેરેડ કુશ્નર અને અન્ય અમેરિકન અધિકારીઓ સાથે વાટાઘાટો કરી હતી. આ બેઠકમાં ઉપપ્રમુખ જે.ડી. વેન્સ પણ થોડા સમય માટે હાજર રહ્યા હતા. જોકે, બંને પક્ષોના અડિયલ વલણને કારણે કતારના મધ્યસ્થો હવે ધીમે ધીમે નિરાશ થઈ રહ્યા છે.

સોમવારે સવારે વ્હાઈટ હાઉસ આ વાટાઘાટોને લઈને ખૂબ આશાવાદી હતું અને પ્રક્રિયાને 'પોઝિટિવ અને ક્રિએટિવ' ગણાવવામાં આવી રહી હતી. એવી પણ ચર્ચા હતી કે જો ઈરાન પરમાણુ મુદ્દે નરમ વલણ દાખવે તો ટ્રમ્પ તેના પરથી પ્રતિબંધો હટાવવા અને ફ્રીઝ કરાયેલા ફંડને મુક્ત કરવા તૈયાર છે. પરંતુ, મધ્યસ્થો વ્હાઈટ હાઉસમાં જ હાજર હતા ત્યારે જ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર સ્પષ્ટતા કરી કે તેમણે ઈરાનને કોઈ જ ઓફર કરી નથી. આ એક જ પોસ્ટે સમગ્ર ચર્ચાની દિશા બદલી નાખી હતી.

ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ મોહસિન રઝાઈએ જણાવ્યું હતું કે, ઈરાને પોતાની શરતો સ્પષ્ટ કરી દીધી છે, પરંતુ "ટ્રમ્પ એવા દળદળમાં ફસાયા છે જ્યાં તેઓ ન તો યોગ્ય રીતે વાટાઘાટો કરી શકે છે કે ન તો યુદ્ધ લડી શકે છે." બીજી તરફ, ટ્રમ્પે પત્રકારો સામે સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, "ઈરાન ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. તેઓ હાર માની લેશે. આ બધું ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવા માટે છે અને ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર નહીં હોય."